Mysamachar.in-જામનગર:
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, જામનગર જીલ્લા કલેકટર બી.કે.પંડ્યાના સીધા માર્ગદર્શનમાં લાલપુર પ્રાંત અધિકારી, સિંચાઈ વિભાગના ઇજનેર તથા મામલતદારે જામજોધપુરે ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે, સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂંક કરાઈ છે, ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સોગઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. હાલ લાલપુર પ્રાંત અધિકારી અસવાર, સિંચાઈ વિભાગના ઈજનેર અકબરી, જામજોધપુર મામલતદાર કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી બલદાણીયા વગેરેએ ડેમ સાઈટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઉભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર, તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે.મામલતદાર કચેરી જામજોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-આજે સવારે જીલ્લા કલેકટર બી.કે.પંડ્યાએ કહ્યું કે….
સોગઠી ડેમમાં ગાબડું પડવાની ઘટના અંગે આજે સવારે my samachar.in સાથેની વાતચીતમાં જીલ્લા કલેકટર બી.કે.પંડ્યાએ કહ્યું કે આ બહુ મોટો નહિ પણ નાનો ડેમ છે, હાલ પાણીના વહેણને ડાયવર્ટ કરવા સહિતની આનુસંગિક તમામ કામગીરીઓ સ્થળ પર ચાલી રહી છે, પાણી ઓછું થાય એટલે રીપેરીંગ સહિતની કામગીરી હાથ ધરવા અમારી ટીમોએ તૈયારી કરી લીધી છે, પણ પાણીનો વહેણ પસાર થાય તો નીચાણવાળા ત્રણ ચાર લગત જે ગામો છે તેમાંથી પાણી પસાર થઇ શકે છે. બાકી સ્થિતિ બહુ ભયજનક કહી શકાય તેવી નથી હું અને અમારી ટીમ સતત તેના પર નજર રાખી રહ્યા છીએ અને લોકોને મુસીબતનો સામનો ના કરવો પડે તેવા અમારા પ્રયાસો છે.