Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દ્વારકા નજીક ધુળેટીના દિવસે પૂરપાટ જતી એક મોટરકારના ચાલકે એક પેસેન્જર રીક્ષા સાથે અકસ્માત સર્જતા તેમાં સવાર એક મહિલા તેમજ એક વૃધ્ધના કરૂણ મોત નીપજ્યા હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે સાત કિલોમીટર દૂર બરડીયા ગામના ઓવરબ્રિજ ઉપર શુક્રવાર તારીખ 14 ના રોજ જઈ રહેલી જી.જે. 23 એ.યુ. 2661 નંબરની પિયાગો પેસેન્જર રીક્ષા સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વેગન- આર મોટરકારના ચાલકે આગળ જતી બસની રોંગ સાઈડમાં ઓવરટેક કરી અને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં જઈ રહેલા ભગવાનજીભાઈ વસ્તાભાઈ ગુજરીયા (ઉ.વ. 65) તથા ભારતીબેન સંજયભાઈ નાનજીભાઈ શિયાળ (ઉ.વ. 30) નામના બે યાત્રાળુઓને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા બંનેના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી કારનો ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ સંજયભાઈ નાનજીભાઈ શિયાળ (રહે. સાવરકુંડલા, જી. અમરેલી) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે વેગન આર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.(પ્રતીકાત્મક તસ્વીર)
