Mysamachar.in-અમદાવાદ:
સરેરાશ ખેડૂત અને સામાન્ય માણસનો એવરેજ અભિપ્રાય એવો છે કે, ઘઉં અને મગફળી સહિતના પાકો ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીમાંથી કુદરતી સ્વાદ જતો રહ્યો છે. આ સરેરાશ અભિપ્રાય હકીકતની એકદમ નજીક છે, તેનું એક કારણ એ પણ છે કે, ખેડૂતો સસ્તું અને નબળું ખાતર ઉપયોગમાં લઈ રહ્યા છે. સારૂ ખાતર મોંઘુ હોય નાના ખેડૂતો મોંઘુ ખાતર વાપરવાનું ટાળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 10 વર્ષમાં NPK ખાતરની થેલીનો ભાવ રૂ. 1,138 હતો તે વધીને રૂ. 1,850 થઈ ગયો છે. આ વર્ષની જ વાત કરીએ તો પાછલા સાત મહિનામાં આ ખાતરની થેલીના ભાવમાં રૂ. 380 નો ભાવવધારો આવ્યો છે. જાન્યુઆરીમાં થેલીએ રૂ. 250 વધ્યા હતાં અને ગઈકાલે થેલીની કિંમતમાં વધુ રૂ. 130 નો વધારો કરવામાં આવ્યો છે. જો કે ખાતરના ભાવવધારાનો ખેડૂતોમાં વિરોધ નથી.
NPK ખાતર સારૂં આવે છે જેનાથી પાકોની ગુણવત્તા અને ફળદ્રુપતા વધે છે. આ ખાતરમાં સબસિડી નથી. આથી આ ખાતર મોંઘુ છે. જો કે મોટાં ખેડૂતો જ આ ખાતરનો વપરાશ કરે છે, જેમને ભાવવધારો નડતો નથી. એવરેજ અને નાના ખેડૂતો સસ્તું અને નબળું ખાતર યુરિયા ઉપયોગમાં લ્યે છે, જેમાં સરકાર સબસિડી આપી રહી હોય આ ખાતર સાવ સસ્તું છે. જે કૃષિપાકો માટે હિતાવહ નથી પરંતુ વધુ વપરાશ તેનો જ થઈ રહ્યો છે ! જેને કારણે કૃષિપાકો અને શાકભાજી-ફળો ‘રસકસ’ ગુમાવી રહ્યા છે.