Mysamachar.in-અમદાવાદ:
કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો કાયદો છે કે, ખાદ્યતેલ જૂના ડબ્બા-ટીનમાં ભરી શકાશે નહીં, વેચાણ કરી શકાશે નહીં. કારણ કે, આ બાબત માનવ આરોગ્ય માટે જોખમી છે. આમ છતાં, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મિલરો અને વેપારીઓ જૂના ડબ્બા-ટીનમાં ખાદ્યતેલ છૂટથી વેચાણ કરે છે- સરકારી તંત્રો એમનો વાળ વાંકો કરતાં નથી ! આખરે મામલો વડી અદાલતમાં પહોંચી ગયો. હવે અહીં સરકાર આશ્વાસન કે ખાતરીઓ આપશે. આ મામલો ગંભીર છે.
કેન્દ્ર અને રાજ્યની સરકાર આ બાબતે મિલરો, કંપનીઓ અને વેપારીઓને માત્ર ચેતવણીઓ આપે છે. મોટા જથ્થામાં કયાંય ખાદ્યતેલનો જથ્થો જપ્ત થતો નથી. તંત્ર ચેકિંગ પણ કરતું નથી. અને, આ બાબતે કસૂરવાર મિલરો અને વેપારીઓ સરકાર એમના ખિસ્સામાં હોય, એ રીતે બિંદાસ છે. લોકોના આંતરડામાં જોખમી તેલ જઈ રહ્યું છે. કયાંય આંદોલન થયાનું ધ્યાન પર આવ્યું નથી !
આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત સરકારી અધિકારીઓને પક્ષકાર બનાવીને વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે. જેમાં જણાવાયું છે કે, આ આખો વિષય લોકોના આરોગ્ય પર સીધો અને મોટો ખતરો છે. રાજ્યભરમાં આમ છતાં નિયમ વિરુદ્ધ કરોડોનો કારોબાર ચાલી રહ્યો છે. છેક એપ્રિલ-2024થી સરકારે આ બાબતે જોગવાઈઓનું કડક પાલન કરવાની સૂચનાઓ આપી છે છતાં સમગ્ર રાજ્યમાં જૂના ડબ્બા-ટીનનો બેરોકટોક વેપાર ધમધમી રહ્યો છે. લોકોના આરોગ્ય માટે આ બાબત ઘાતક અને માઠી અસરો પેદા કરનારી સાબિત થઈ શકે છે, એમ જાહેર હિતની આ અરજીમાં જણાવાયું છે. આ અરજીની સુનાવણી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.(પ્રતિકાત્મક તસ્વીર)