Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન જીલ્લા મથકોએ કરવામાં આવતું હોય છે અને ગરીબી હટી રહી છે હટી જશે અને ગરીબોના કલ્યાણ સહિતની વાતો આ મેળાઓમાં સાંભળવા મળતી હોય છે પણ આ તમામ વચ્ચે રાજ્યમાં ગરીબોના આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે, આંકડાઓ કહે છે કે ગુજરાતમાં 1.2 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. અને નવાઈની વાત એ પણ છે આ વાત ખુદ કેન્દ્ર સરકારે સ્વીકારી છે.
રાજ્યમાં સાડા છ કરોડની વસ્તી પૈકી એક કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. આમ આ આંકડાઓ અન્ય રાજ્યોની સરખામણીએ જોઈએ તો ગરીબીમાં ગુજરાત દેશમાં 14મા ક્રમે રહ્યું છે. ગામડામાં રોજ 26 રૂપિયા અને શહેરમાં રોજ 32 રૂપિયા પણ ખર્ચી શકે નહીં તેને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ ગણવામાં આવે છે. આ સામાન્ય ખર્ચ કરવામાં પણ સક્ષમ નથી તેવી વ્યક્તિઓની ગુજરાતમાં ઘણી મોટી સંખ્યા છે. લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે એ વાત કબૂલી કે, ગુજરાતમાં કુલ મળીને 1.02 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. એટલે કે ગુજરાતમાં 16.63 ટકા લોકો ગરીબ છે.