Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં સૌથી વિવાદાસ્પદ એવાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સૌથી ચર્ચાસ્પદ અને અગાઉ પણ સસ્પેન્ડ થયેલા દિપક શિંગાળા નામનાં અધિકારીનું નામ દિપક છે પરંતુ તેમનાં કામમાં અંધારું હોવાથી વારંવાર તેઓ પૂર્વ અને વર્તમાન કમિશનરની નારાજગીનું નિશાન બની રહ્યા છે. હાલના કમિશનર ડી.એન.મોદી તેમની આકરી કામગીરીની પદ્ધતિને લઈને જાણીતા છે અને તેવો ક્યારેય પણ કામને લઈને ચલાવીને લેવાના મુડમાં નથી… અને આ અધિકારી સહીત મનપામાં આળસુ અધિકારી કર્મચારીઓને ‘સીધા’ કરી દેવાનાં મૂડમાં હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે.
આ અધિકારી કામ ઓછું અને દેખાવ વધારે કરવામાં માને છે. તેઓ રાજકોટથી અપડાઉન કરતાં હોય કોર્પોરેશનમાં લેટ લતીફ તરીકે અને સાહેબગીરી કરવાનાં મુદ્દે કુખ્યાત છે. તેઓને હેડ ક્વાર્ટર છોડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે, આમ છતાં તેઓ અપડાઉન કરી રહ્યા હોય, કમિશનર આ અધિકારીને બરાબરનો પાઠ ભણાવવાના મૂડમાં હોય એવું જોવા મળી રહ્યું છે. આ અધિકારીએ કમિશનરનો ઠપકો વારંવાર સાંભળવો પડે છે કેમ કે આ અધિકારીની કામ કરવાની પદ્ધતિ જ ચર્ચાસ્પદ છે.
પોતાના વિભાગમાં એકેય કામ ઢંગથી થતું નથી આ હકીકત આ અધિકારી સારી રીતે જાણે છે અને એટલે જ પોતાના વિભાગની વિગતો ઢાંકવા તેઓ રાતદિવસ વ્યસ્ત રહે છે. આ અધિકારીને વિપક્ષે અવારનવાર નિશાન પર લીધાં છે. જનરલ બોર્ડની બેઠકોમાં પણ અવારનવાર આ અધિકારી પર માછલાં ધોવાયા છે આમ છતાં લાજવાને બદલે ગાજી રહેલાં આ અધિકારીનાં JMCમાં અન્નજળ પૂરાં થયાં હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં કમિશનર તેઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરશે, એવાં સંકેતો મળી રહ્યા છે.
આ અધિકારીનાં વિભાગ હસ્તકનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ હોય કે પછી કચરો પ્રોસેસ કરવાનો પ્લાન્ટ હોય, ડોર ટુ ડોર, એકેય કામગીરી વ્યવસ્થિત કે અસરકારક રીતે ચાલી રહી નથી. છતાં આ અધિકારી ફાંકાબાજી કરી રહ્યા છે અને પોતાનાં વિભાગની ખરી હકીકતો પર ઢાંકપિછોડો કરી રહ્યા છે, જે દર્શાવે છે કે સોલીડ વેસ્ટ વિભાગનાં કબાટમાં અનેક હાડપિંજર સચવાયેલા પડ્યા છે !
આ અધિકારીની કુંડળીમાં હાલ રાહુ વક્રી ચાલી રહ્યો હોય, આગામી દિવસોમાં આ અધિકારી મુશ્કેલીમાં મુકાઇ જશે એવું સમજાઈ રહ્યું છે. આ અધિકારીની દેખરેખ હેઠળ કચરા પ્રોસેસિંગનો પ્લાન્ટ દોઢ વર્ષ પહેલાં ચાલુ થયો હતો જે હાલ બંધ છે. આ પ્લાન્ટની કામગીરી ઘણાં સમય સુધી ચર્ચામાં રહી છે. વિપક્ષ દ્વારા ત્યાં કુંડાળા પણ ઝડપી લેવામાં આવ્યા હતાં. આમ છતાં આ અધિકારી પોતાનાં પર કાદવનો કોઈ દાગ ન હોવાની ગુલબાંગો પોકારી રહ્યા છે પરંતુ હવે તેઓ વધુ સમય કોર્પોરેશનમાં સાહેબગીરી કરી શકશે નહીં એવું સંભળાઈ રહ્યું છે.