mysamachar.in-જામનગર:
મોરબી જીલ્લામાં નાની સિંચાઇ યોજનાનુ ૨૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે,જેની સામે જામનગર જીલ્લામાં જામનગર,જામજોધપુર,જોડીયા અને કાલાવડ તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના,ખાસ મરામત યોજના,સુવિધાપથ સહિતની કરોડો રૂપિયાની સરકારની યોજનામાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો અંતે ભાંડાફોડ થવા પામ્યો છે,
જામનગર જિલ્લામાં જોડીયા,ધ્રોલ,જામજોધપુર,જામનગર તાલુકા અને કાલાવડ તાલુકામાં ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરોડો રૂપિયાનું ફંડ ફાળવીને રસ્તા બનાવવામાં આવ્યા હતા,જેમાં ઇજનેરો અને ઠેકેદારો અને નેતાઓની મીઠી નજર હેઠળ રાજ્ય સરકારના આ ફંડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા અંતે એક જાગૃત નાગરીક દ્વારા રાજ્યના તકેદારી આયોગમાં ફરિયાદ કરાઇ હોવાનું જાણવા મળે છે,
અત્રે ઉલ્લેખનીય છે કે,જામનગર જીલ્લામાં રોડના કામ થયા બાદ એક વર્ષ જેટલા ટૂંકાગાળામાં જ જર્જરિત થઈ ગયા હતા, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન પટેલએ સૂવરડાથી પતારીયા નેસ સુધીના રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું, તે રોડ ટૂંકાગાળામાં ખરાબ થઈ જતાં ગ્રામજનોએ ફરિયાદ કરી હતી તેવી જ રીતે જોડીયા તાલુકાનાં લીંબુડા રોડ,કાલાવડ તાલુકાના જીવાપર એપ્રોચ રોડ,હરિપરથી રણુજા રોડ,લલોઇ-બાંગા રોડ,મોટા વડાળાથી પાતા મેઘપર રોડ,ધ્રોલ તાલુકા સુધાધુનાથી સગાડીયા રોડ,જામજોધપુર તાલુકાનાં અમરાપરથી ઉભીધાર, પરડવાથી જિલ્લા હદ સુધીનો રોડના કામ અંગે સ્થાનીકો અને આગેવાનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં ઇજનેરો ગ્રામજનોની ફરિયાદ,રજૂઆતોને જાડી ચામડીના બાબુઓ ગણકારતા ન હોવાનું પણ સામે આવ્યું છે,
તેવામાં જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પુરાવા સાથે અંતે ગાંધીનગર તકેદારી આયોગમાં ઘા નાખીને જામનગર જિલ્લાના ભ્રષ્ટ ઇજનેરોને ખુલ્લા પાડવા ફરિયાદ થઈ છે,
જેના પર છે નેતાનો હાથ તે ફરી રહ્યા છે આબાદ…
જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં મોટાપાયે રસ્તાના કામોમાં ગોબાચારી આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા છતાં કોઈપણ પગલાં લેવામાં આવતા ન હોવાનું વારંવાર સામે આવ્યું છે,જેની સામે અધિકારીઑ પર સ્થાનીક નેતાની છત્રછાયા હોય અને કાલાવડમાં તો ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ખુદ એક નેતા જ કેટલાય રોડના કામમાં ભાગીદાર છે ત્યારે સ્વાભાવિક છે કે અધિકારીને તો બખ્ખાં જ હોય..જેના પર નેતાના હાથ છે તેને ઉની આંચ પણ નથી આવતી અને જિલ્લાના અધિકારીઓ પણ તેનાથી ડરે છે આવુ જ જામજોધપુર તાલુકામાં પણ સામે આવ્યું છે,જામજોધપુર અને લાલપુરમાં તમામ હદ પાર કરીને ખુલ્લેઆમ રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરી નેતાને સાચાવી લેવાની નીતીના કારણે અધિકારીનો વાળ વાંકો થતો નથી તેવું ખુલ્લેઆમ ચર્ચાનો વિષય બન્યો છે, હવે જ્યારે નેતાઓ અને અધિકારીઓની સાંઠગાંઠ હોય પછી કામમાં ગુણવત્તા શું હોય તે સમજી શકાય તેવી વાત છે.