મોટાભાગના લોકોએ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક અપ કરાવી લીધાં છે, આથી ભારત સરકારને ખબર પડી ગઈ કે, આટલી સંખ્યાના ધનાઢ્ય પરિવારો પણ સસ્તા અનાજની દુકાનો પરથી ‘મફત અનાજ’ મેળવી રહ્યા છે. આ ડેટા જામનગર સુધી પહોંચી જતાં હવે જામનગરમાં પૂરવઠાતંત્ર આવા પરિવારોની ખરી આર્થિક સ્થિતિઓ જાણવાની કવાયત શરૂ કરી ચૂક્યુ છે.
જામનગર શહેર અને જિલ્લામાં એવા ઘણાં પરિવારો છે જેઓ સરકારના વિવિધ નિયમો અનુસાર, સસ્તા અનાજની દુકાનેથી મફત અનાજ મેળવવાને પાત્ર નથી, છતાં પણ આ પ્રકારના શ્રીમંત પરિવારોના રેશનકાર્ડ પર જોવા મળે છે કે, આ પરિવારો પણ મફત અનાજ મેળવે છે. આ લીકેજ બંધ કરવા ભારત સરકારના આવકવેરા વિભાગે જામનગર જિલ્લા પૂરવઠા તંત્રને ડેટા મોકલ્યા છે.
પૂરવઠા વિભાગે આ પ્રકારના શ્રીમંત પરિવારોને નોટિસ પાઠવી છે અને કહ્યું છે કે, તમો મફત અનાજ મેળવવા પાત્ર નથી. સરકારના ડેટા મુજબ તમારી આવક વધુ છે. જામનગરનું પૂરવઠાતંત્ર આ પ્રકારના પરિવારોની આવકની હાલ ખરાઈ કરી રહ્યું છે. આ ખરાઈ પ્રોસેસ પૂર્ણ થશે પછી આ પ્રકારના શ્રીમંત પરિવારોના રેશનકાર્ડને મફત અનાજની યાદીમાંથી બાકાત કરવામાં આવશે એમ જિલ્લા પૂરવઠાતંત્ર દ્વારા આજે સવારે Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવાયું છે.
હાલ જામનગર શહેરના પૂરવઠા ઝોન-1 માં આવા 3,851 પરિવાર છે, ઝોન-2માં 2,362 પરિવાર, જામનગર ગ્રામ્યમાં 1,401 પરિવાર, જામજોધપુર તાલુકામાં 820 પરિવાર, કાલાવડ તાલુકામાં 755 પરિવાર, લાલપુરમાં 673 પરિવાર, ધ્રોલમાં 413 અને જોડિયામાં 359 પરિવાર સરકારના ડેટા મુજબ શ્રીમંત છે, એમને મફત અનાજ આપવાનો કોઈ અર્થ નથી.