Mysamachar.in-અમદાવાદ:
આયુષ્યમાન કાર્ડ સંબંધિત PMJAY યોજનામાં રાજ્યભરમાં ચકચારી બનેલી ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં એક જબરો વળાંક આવી ગયો. તપાસનીશ એજન્સી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે રેકર્ડ પર કહે છે: પુરાવાઓ નથી, મહત્વપૂર્ણ આરોપીઓ વિરુદ્ધ ગુનો બનતો નથી. બધાં જ પ્રચાર પ્રસાર માધ્યમો આ વળાંકને અતિ ગંભીર લેખી રહ્યા છે.
ખ્યાતિકાંડમાં અત્યાર સુધી આરોગ્ય વિભાગના ડો.શૈલેષ આનંદ અને ગાંધીનગર PMJAY પ્રોજેક્ટના મુખ્ય અધિકારી ડો.મિલાપ પટેલને ‘મહત્વ’ના આરોપીઓ તરીકે ક્રાઈમ બ્રાંચે બધી જ કાર્યવાહીઓમાં આગળ ધર્યા હતાં. નીચલી અદાલતથી માંડી છેક વડી અદાલત સુધી આ આરોપીઓની જામીન અરજીઓ રદ્ કરાવવા ક્રાઈમ બ્રાંચ સહિત સૌએ ખૂબ મહેનત કરી, દલીલો કરી, સોગંદનામાઓ દાખલ થયા, આરોપીઓ જેલમાં રહ્યા. હવે ચિત્ર બદલી ગયું.
ક્રાઈમ બ્રાંચે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં BNSSની કલમ-189 મુજબ સી સમરી રિપોર્ટ ભરી દીધો. જાહેર કરી દેવામાં આવ્યું કે, આ આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ નથી, ગુનો બનતો નથી. જો કે, અદાલતે ફરિયાદીને નોટિસ મોકલી, જેની સુનાવણી આજે છે.
ક્રાઈમ બ્રાંચે અન્ય આઠ ‘નાના’ આરોપીઓ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધું. જ્યારે આ ચકચારી ખ્યાતિકાંડના અન્ય એક આરોપી હોસ્પિટલના ચેરમેન ડો. કાર્તિક જશુભાઈ પટેલની ધરપકડ પછીથી થયેલી, એટલે તેના વિરૂદ્ધનું ચાર્જશીટ પૂરવણી ચાર્જશીટ તરીકે અદાલતમાં હવે દાખલ થશે.(file image)