Mysamachar.in:રાજકોટ
GSTના ક્ષેત્રમાં બોગસ બિલિંગ મોટું અને કાયમી દૂષણ છે. સરકારે આ દૂષણ નાથવા કાયદાઓ અને જોગવાઈઓ આકરા બનાવ્યા છે. દરોડા પણ પુષ્કળ પડે છે અને ધરપકડો પણ મોટાં પ્રમાણમાં થાય છે. આમ છતાં, બોગસ બિલિંગની બદી ઘટવાનું નામ લેતી નથી. તેથી તંત્ર સરકારની આવક વધારવા અને દૂષણને નાથવા દરોડાનો દૌર શરૂ કરવા થનગની રહ્યું છે. છેલ્લા એક મહિનાથી બધાં અધિકારીઓ G-20 સંબંધિત કામોમાં વ્યસ્ત હતાં. જો કે તે દરમિયાન અધિકારીઓની સેકન્ડ કેડર અને કર્મચારીઓએ ઘણી બધી વિગતો અને ડેટા એકત્ર કર્યા છે. અને આ બધી વિગતોના આધારે દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો, SGST અને CGSTના અધિકારીઓએ જામનગર, રાજકોટ અને મોરબી તથા કચ્છને ટાર્ગેટ બનાવવા તૈયારીઓ કરી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નજીકના ભૂતકાળમાં તંત્રએ ભાવનગર પંથકને ધમરોળી લીધો છે, કરોડોના કૌભાંડની વિગતો બહાર આવી ચૂકી છે. સંખ્યાબંધ ધરપકડો પણ થઈ છે. તંત્રો પાસે જથ્થાબંધ ડેટા એકત્ર થયો છે. તેનું એનાલિસીસ પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ બધી રેવન્યુ એજન્સીઓ કરચોરો અને કૌભાંડીઓને કલચ કરી શકે છે તેમ રાજકોટસ્થિત વર્તુળો જણાવે છે.