Mysamachar.in-નડિયાદ
રાજ્યમાં અકસ્માતોની ઘટના હવે રોજબરોજની બની જવા પામી છે, ક્યારેક ગંભીર તો ક્યારેક સામાન્ય અકસ્માતોના બનાવો સામે આવતા રહેતા હોય છે, એવામાં એક્સપ્રેસ વે પર ફરી એક અકસ્માત સામે આવ્યો છે, સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા અમદાવાદ વડોદરા હાઈવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બનેલા અકસ્માતના બનાવમાં ટ્રેલર હાઇવેની સાઈડમાં નીચે પલ્ટી જતા ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જવા પામ્યો હતો જેને ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો.
ટ્રેલરના ડ્રાઈવરને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે, ટ્રેલરના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ટ્રેલર હાઇવેની રેલિંગ તોડી સાઈડમાં ત્રીસેક ફૂટ નીચે પલ્ટી ખાઈને પડ્યું હતું. અકસ્માત વધુ ગંભીર ન હતો, પરંતુ ટ્રેલરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા હાઇવે પેટ્રોલિંગની ટીમ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ટ્રેલરના કેબિનમાં ફસાયેલ ડ્રાઇવરને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી ટ્રેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.