Mysamachar.in-જામનગર:
આમ જૂઓ તો સમગ્ર રાજયમાં શિક્ષણ વિભાગને લાંબા સમયથી લૂણો લાગેલો છે પણ ખાસ કરીને જામનગરમાં સ્થિતિ વધુ દુ:ખદ અને અફસોસજનક છે, કેમ કે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વર્ચસ્વ વગરની છે. આ કચેરીની શાળાઓ પર કોઈ ધાક નથી. આ કચેરી પોતાની જાતે શિક્ષણ સંબંધે ચકોર નજર રાખતી હોય એવું અત્યાર સુધીમાં કયારેય રેકર્ડ પર આવ્યું નથી. જેને કારણે, ઈન્ચાર્જથી ચાલતી આ જિલ્લા શિક્ષણાધિકારી સાવ નિષ્ક્રિય હોવાનું ચિત્ર ઉપસી ચૂકયુ છે અને આ સ્થિતિનો ગેરલાભ લઈને ખાસ કરીને ખાનગી શાળાઓ બેફામ બની ચૂકી છે.
જામનગર શહેર અને જિલ્લામાં સેંકડો ખાનગી શાળાઓ ધમધમે છે. આ ઉપરાંત સંખ્યાબંધ સરકારી શાળાઓ પણ છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં સરકારના શિક્ષણ વિભાગના વિવિધ નિયમો, જોગવાઈઓ અને શરતોનો ભંગ થતો હોવાની અને કેટલીક ખાનગી શાળાઓમાં તો અનિયમિતતાઓ અને ગેરરીતિઓ પણ આચરવામાં આવતી હોવાની રાવ તથા બૂમરાણ થોડાં થોડાં સમયે ઉઠતી રહે છે, આમ છતાં DEO કચેરી કયારેય અસરકારક કે આક્રમક કામગીરીઓ કે કાર્યવાહીઓ કરતી હોય એવું બહાર આવતું નથી. આ કચેરીને શહેર અને જિલ્લાના હજારો બાળકોના શિક્ષણ અને ભાવિની ચિંતાઓ જ નથી ?! કે પછી આ કચેરીનું મૌન મીંઢુ છે ?! એવો પણ પ્રશ્ન વાલીઓમાં સાંભળવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે જયારે જયારે શિક્ષણ સંબંધે ઉહાપોહ કે દેકારો મચે છે ત્યારે ત્યારે, આ કચેરી પોતાની ચામડી બચાવવા એવું જાહેર કરતી હોય છે કે, અમારી પાસે ફલાણી શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ કોઈ લેખિત ફરિયાદ આવી નથી. સરકારી કચેરીઓએ ફરિયાદ કે રજૂઆત આવે તો જ કામગીરીઓ કરવાની હોય ?! કસૂરવારો વિરુદ્ધ કચેરી જાતે, સૂઓમોટો કાર્યવાહીઓ શા માટે નથી કરતી?! આ કચેરી કડક ઈન્સ્પેક્શન, વિજિલન્સ શા માટે અમલમાં નથી મૂકતી ?! નિયમો ચાતરવા મુદ્દે વિવાદાસ્પદ શૈક્ષણિક સંસ્થાઓ તરીકે પંકાયેલી શાળાઓ વિરુદ્ધ DEO કચેરી કયારેય, કોઈ આકરાં પગલાંઓ ભરતી ન હોય, વાલીઓ DEO કચેરીની નિયત વિષે પણ શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં લાંબા સમયથી રેગ્યુલર DEO નથી, ઈન્ચાર્જના હવાલે સમગ્ર વહીવટ લાંબા સમયથી ચાલી રહ્યો હોય આ કચેરી વર્ચસ્વ અને ધાક વિનાની બની ચૂકયાની છાપ પડી ગઈ છે. સરકારી કાર્યક્રમો અને મેળાવડાઓમાં શિક્ષણ સંબંધે મીઠડી અને ડાહી વાતો થતી રહે છે, બીજી તરફ જામનગર શહેર ઉપરાંત જિલ્લાના શિક્ષણનું કોઈ ધણીધોરી ન હોય તેવી હાલત જોવા મળી રહી છે, જે ચિંતાનો વિષય લેખાવી શકાય.
ઉદાહરણ: રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડનો કાયમી આદેશ છે કે, સત્તાવાર વેકેશનના દિવસોમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થા પોતાને ત્યાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી શકે નહીં, આમ છતાં જામનગરમાં આ નિયમનો ઉલાળિયો થાય છે છતાં, DEO કચેરી મૌન !! તાજેતરમાં વેકેશન દરમિયાન શહેરમાં તપોવન અને ક્રિષ્ના સહિતની શૈક્ષણિક સંસ્થાઓ વેકેશનમાં પણ ભણાવે છે એવું બહાર આવતાં NSUI એ આવી શાળાઓએ પહોંચી શાળા સંચાલકોને આ અભ્યાસ કાર્ય બંધ કરાવવા વિનંતીપત્રો પણ પાઠવ્યા, ત્યાં સુધી DEO કચેરી ઉંઘમાં !! આટલી ઘસઘસાટ ઊંઘ ?!
સૂત્ર જણાવે છે, દર વર્ષે DEO કચેરી વેકેશનમાં અભ્યાસ સંબંધે માધ્યમિક શિક્ષણ બોર્ડનો ઉપરોકત પરિપત્ર શાળાઓને મોકલી આપી, ખુદ વેકેશન માણવામાં વ્યસ્ત રહે છે અને આ આખો વિષય આ કચેરી ભૂલી જાય છે. કચેરીની આ પ્રકારની કાયમી નીતિને કારણે શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓ આવી બધી જ બાબતોમાં બેફામ વર્તી રહી છે.