Mysamachar.in-અમદાવાદ:
ભંગાર માર્ગો, રખડતાં પશુઓ, રસ્તાઓ પર દબાણ સહિતના જુદા જુદા મુદ્દે રાજ્યની હાઈકોર્ટમાં પાછલાં 2 વર્ષથી સુનાવણીઓ ચાલી રહી છે. વડી અદાલતે આ મામલામાં હવે ધીરજ બાજુ પર મૂકી દીધી છે અને સરકારને કહ્યું છે, કોર્ટમાં સુનાવણીઓ હોય ત્યારે જ નહીં, આ બધી સમસ્યાઓ દૂર કરવા અધિકારીઓએ રોજેરોજ કામ કરવું પડશે, સમસ્યાઓના નિકાલ લાવવા પડશે અન્યથા સંબંધિત અધિકારીઓની જવાબદારીઓ નક્કી થશે અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરોમાં રસ્તાઓ પરના દબાણોનો મામલો આખા રાજ્યમાં ગંભીર સમસ્યા છે, આ ઉપરાંત રસ્તાઓ પરના ખાડા, રસ્તાઓની નબળી સ્થિતિઓ, શહેરોમાં રખડતાં પશુઓ અને તેને કારણે સર્જાતા અકસ્માતો- આ પ્રકારની સમસ્યાઓ આખા રાજ્યમાં છે. આથી વડી અદાલતમાં એક એડવોકેટ દ્વારા જાહેર હિતની અરજી આજથી બે વર્ષ અગાઉ થઈ છે, જેની સુનાવણીઓ ચાલી રહી છે, દર વખતે સરકાર જવાબો, રિપોર્ટ અને સોગંદનામાઓ અદાલતમાં દાખલ કરતી રહે છે, પરિસ્થિતિઓમાં કયાંય, કશો ફેર પડતો નથી. આથી હવે વડી અદાલતે સરકારને અલ્ટીમેટમ એટલે કે આખરી ચેતવણી આપી છે.

વડી અદાલતે કહ્યું છે: અદાલતમાં સુનાવણીઓ થાય ત્યારે જ નહીં, સરકારે અને અધિકારીઓએ આ તમામ કામો રોજેરોજ કરવાના રહેશે. આ માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપવાની રહેશે. સરકાર અદાલતમાં કહે છે કે, તંત્રો આ કામગીરીઓ માટે સક્ષમ છે તો પછી આ કામગીરીઓ શા માટે નથી થતી ? એવો પણ પ્રશ્ન અદાલતે પૂછ્યો છે.
વડી અદાલતે સરકારને કહ્યું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતાં અને કાયદો તોડતા તત્વો વિરુદ્ધ સખતાઈથી કાર્યવાહીઓ કરવી જોઈએ. અદાલતે કહ્યું કે, લારી ગલ્લા સહિતના દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યાઓ, ગેરકાયદેસર પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને રખડતાં પશુઓની સમસ્યા વગેરે અંગે માત્ર અદાલતમાં સુનાવણીઓ હોય ત્યારે જ નહીં, સતત અને નિયમિત ધોરણે તથા સમસ્યાઓનું નિરાકરણ આવે એ રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરીઓ કરો. વડી અદાલતે આ બાબતોમાં અત્યાર સુધીમાં 62 હુકમો કર્યા છે. હુકમની અમલવારી નહીં થાય તો કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થશે. અને, આ પ્રકારની કામગીરીઓમાં જે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવે તે તમામને વોકીટોકી અને બોડીવોર્ન કેમેરા પણ લગાવો.(file image)
