Mysamachar.in-અમદાવાદ:
ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટ એવા બેનર હેઠળ રાજ્યભરમાં હજારો મેડિકલ સ્ટોર ધમધમી રહ્યા છે, જેમાં ફાર્માસિસ્ટની સતત હાજરી ફરજિયાત છે, આમ છતાં તંત્રની મીઠી નજર, રાજકીય પીઠબળ અને ભ્રષ્ટાચાર સહિતના કારણોસર સેંકડો મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ધમધમતા હોય છે. જે કાયદાનો સરેઆમ ભંગ છે.
ગ્રાહકને આપવામાં આવતી દવાઓ માનવ આરોગ્ય સંબંધે અતિ ગંભીર બાબત છે, તેથી દરેક મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની સતત હાજરી કાયદા દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે. આમ છતાં ઘણાં મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સના આધારે માલિક અને તેના પરિવારજનો તથા પરચૂરણ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતાં હોય છે. આ ગંભીર બાબત છે.
રાજ્યમાં સેંકડો એવા ફાર્માસિસ્ટ છે, જે ખુદ અન્ય મેડિકલ સ્ટોર ચલાવતા હોય અને પોતાનું ફાર્માસિસ્ટ તરીકેનું લાયસન્સ અન્ય મેડિકલ સ્ટોરને ‘ભાડે’ આપી દીધેલું હોય. આ પ્રકારના ધંધાદારી તત્ત્વોને હવે આકરો ડોઝ આપવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે, આવા મામલામાં કસૂરવારને રૂ. 2 લાખનો દંડ કરવામાં આવે અથવા 3 મહિનાની જેલ કરવામાં આવે. અને, શક્ય કિસ્સાઓમાં આવા ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન જ રદ્દ કરી દેવામાં આવે. આ માટે જોગવાઈમાં સુધારો દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં તો આ સુધારાનો અમલ પણ શરૂ થઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આ જોગવાઈ દાખલ કરવા અંગે સરકારમાં લેખિત રજૂઆત થઈ છે. જો કે જમીની હકીકત એ પણ છે કે, સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાકીય જોગવાઈઓના અમલમાં જુદાજુદા કારણોસર આંખ આડા કાન કરતાં હોય છે. કાયદાકીય જોગવાઈમાં સુધારા બાદ પણ જો સ્થાનિક કક્ષાએ કડક અમલ ન થાય તો ? એ પ્રશ્નનો જવાબ લોકોને મળવો જોઈએ.(પ્રતિકાત્મક તસ્વીર)