Mysamachar.in-ગાંધીનગર:
સામાન્ય રીતે લોકો એવી ટિપ્પણીઓ કરતાં હોય છે કે, લાંચના મામલામાં પરચૂરણ સરકારી કર્મચારીઓને પકડવામાં આવે છે અને મોટાં માછલાં મોજ કરે છે. પરંતુ લાંચ રૂશવત વિરોધી વિભાગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક સચિવની લાંચમાં ધરપકડ કરી લેતાં આ પ્રકારના અધિકારીઓ ધ્રૂજી ઉઠ્યા છે. આ દાખલો નોંધપાત્ર લેખાવી શકાય.
ભાવનગરના આરોગ્ય વિભાગના તત્કાલીન નાયબ નિયામક અને તેના સાથી ડોક્ટર વિરુદ્ધ શરૂ થયેલી ખાતાકીય તપાસ બાદ, તેમની તરફેણમાં રિપોર્ટ આપવાના બદલામાં ગાંધીનગર ખાતે બેસતાં અધિક સચિવે વચેટિયા મારફતે રૂ. 30 લાખની લાંચ લીધાના પ્રકરણમાં છેલ્લા કેટલાંક દિવસથી નાસતા ફરી રહેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ બાબુભાઈ પરમારને ઝડપી લઈ ACBએ ખાસ અદાલત સમક્ષ હાજર કરતાં અદાલતે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં સમગ્ર રાજ્યમાં લાંચિયા તત્ત્વોમાં ફફડાટ પેસી ગયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં વચેટિયા તરીકે જેની ધરપકડ થઈ હતી અને હાલ જેલમાં છે તેનું નામ ગિરીશ પરમાર છે, જે સરકારી ડેન્ટલ કોલેજ (અમદાવાદ)નો નિવૃત ડીન છે. તેણે આ આખું સેટિંગ ગોઠવેલું એવું તપાસમાં બહાર આવ્યું છે. અધિક સચિવ દિનેશ બાબુભાઈ પરમારને રિમાન્ડ દરમ્યાન એ પણ પૂછવામાં આવી શકે કે, અધિક સચિવ તરીકે આ રીતે અન્ય કેટલા પ્રકરણમાં લાંચ લીધી હતી ? રાજ્યના આરોગ્ય વિભાગનો આ ‘સડો’ બહાર આવી જતાં, ગાંધીનગરમાં મોટી હલચલ મચી ગઈ છે અને સચિવાલયમાં મહાલતા અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓના પણ આંખ કાન સરવા થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં સરકારે એ સંકેત આપ્યો કે, ચમરબંધીને પણ જેલના સળિયા ગણાવી શકાય છે.