Mysamachar.in-મોરબી
હજુ તો ગઈકાલ સાંજે જ મહેસાણા નજીક ટ્રકે એકટીવા ને ટક્કર મારતા 3 યુવકોના મોત થયાને માંડ કલાકો વીતી હતી ત્યાં જ મોડીરાતે મોરબી નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં હળવદના ધનાળા ગામના પાટિયા પાસે રાત્રીના આશરે 12.30 વાગ્યાની આસપાસ કચ્છ જતા પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરીવારના ત્રણ લોકો મોતને ભેટયા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીના જીવનને બચાવવા માટે હોય છે તેને જ અકસ્માત નડી જતા એમ્બ્યુલન્સ મોતનું કારણ બની જતા માતમ છવાયો છે.
પરિવાર માંડવીના લયજા ગામના ગઢવી પરીવારના સભ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમા પોતાના ઘરે પરત જઇ રહ્યા હતા ત્યાં હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઇ ગઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમા ગઢવી પરીવારના એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. પોલીસે મૃતકોના પરિવારજનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે.