Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ દરેક તાલુકા મથકોએ અને શહેરમાં વધી રહ્યો છે, ત્યારે ખંભાળિયા શહેરમાં રખડતા ઢોરનો આતંક કેટલો છે તેનો એક ગંભીર કિસ્સો તાજેતરમાં જ સામે આવ્યો છે, જેમાં ગઈકાલે વધુ એક વખત આખલાએ આઠ વ્યક્તિઓને ઈજા પહોંચાડતા એકને જામનગર તથા ત્રણને ખંભાળિયાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ખંભાળિયામાં ગઈકાલે સલાયા નાકા પાસે વરઘોડા સાથે જતી એક જાનમાં ભૂરાટા થયેલા ખુંટીયાએ આતંક મચાવી શીંગડાથી ઉલાડીયા કરતા છ મહિલાઓ તથા બે નાના બાળકો સહીત આઠ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ સાથે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ તથા ત્યાંથી બે ખાનગી હોસ્પિટલ તથા એક વધુ ગંભીરને જામનગર ખસેડાયેલ છે. લગ્નના રંગમાં ભંગ પડતા આઠ જાનેયા ઈજાગ્રસ્ત થતા લગ્નનો માહોલ બગડી ગયો હતો, અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં રસ્તે રઝળતા પશુઓના આતંકની આ પહેલી ઘટના નથી, આ પૂર્વે અનેક લોકો પશુઓના આતંકનો ભોગ બની ચુક્યા છે… અરે હજુ વીસ દિવસ પહેલા જ ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં એક વૃદ્ધને ખૂટીયાએ અડફેટ લેતા સારવાર દરમિયાન તે વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.ત્યાં જ વધુ એક વખત આ ઘટના બની છે.



























































