Mysamachar.in-આણંદ:
સામાન્ય રીતે તહેવારો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાના મેસેજ ફરતાં થઇ જતા હોય છે. જો કે એ વાત અલગ હોય છે કે મેસેજ ફોરવર્ડ કરનાર જ વિદેશી વસ્તુઓ વાપરતો હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવારમાં લોકો નવા વસ્ત્રો ખરીદવાનો આગ્રહ રાખતા હોય, આથી સ્વદેશી ખાદીના જ વસ્ત્રોની ખરીદી કરવાનું કહેવામાં આવે છે. જો કે આણંદના એક નિવૃત શિક્ષક છેલ્લા 50 વર્ષથી જાતે ચરખા પર સુતર કાંતી તેમાંથી બનાવેલા ખાદીના કપડાં પહેરે છે.
આ નિવૃત શિક્ષકનું નામ છે બિપીનભાઇ સોલંકી, કે જેઓ આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અધ્યાપન મંદિરમાં 30 વર્ષ સુધી શિક્ષક અને ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હતા, બાદમાં તેઓ અહીં જ નિવૃત થયા હતા. બિપીનભાઇએ પ્રાથમિક શિક્ષણ માતર તાલુકાના દેથલીની ઉત્તર બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. અહીંથી જ તેઓ ગાંધીવાદી વિચારધારાના રંગે રંગાયા અને બાદમાં અંબર ચરખા પર સુતર કાંતવાનું શીખ્યા હતા.બાદમાં તેઓએ ઉચ્ચ શિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવી શિક્ષક તરીકે ફરજ શરૂ કરી હતી. બિપીનભાઇ છેલ્લે વર્ષ 1997માં નિવૃત થયા હતા, ત્યારબાદથી છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિય સમાજ સુધારક સંઘમાં મહામંત્રી અને ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. ગાંધીવાદી નિવૃત શિક્ષક બિપીનભાઈ સોલંકી દરરોજ બે કલાક ચરખા પર સુતર કાંતે છે. જેથી વર્ષે 35 મીટર ખાદી બને છે. પોતાની જાતે જ કાંતેલી ખાદીમાંથી જ પોતાના વસ્ત્રો બનાવી પહેરે છે. વસ્ત્રો તો ઠીક બિપીનભાઇ ઘરમાં વપરાતા અન્ય કાપડની જગ્યાએ પણ ખાદીનો જ ઉપયોગ કરે છે, જે પોતે જાતે તૈયાર કરેલા હોય છે.