Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્યારે જ્યારે, જુદાં જુદાં આયોજકોના યજમાનપદે શિક્ષણ વિભાગ સંબંધિત કાર્યક્રમો યોજાતા રહે છે ત્યારે શિક્ષણ સંબંધે મોટી મોટી વાતો થતી રહે છે અને પ્રશંસાના પુલ બંધાતા રહે છે, શબ્દોના રૂપમાં પુષ્પવૃષ્ટિ થતી રહેતી હોય છે- પરંતુ વિધાનસભામાં જાહેર થયેલાં કેટલાંક આંકડા મુજબ, હાલારમાં સરકારી શિક્ષણ કંગાળ. આ મુદ્દો મહત્વપૂર્ણ અને ગમગીની જન્માવનારો છે.
રાજ્યમાં 3 જિલ્લાઓ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ સૌથી વધુ છે. આ 3 પૈકી 2 જિલ્લા એટલે આપણાં, જામનગર અને દેવભૂમિ દ્વારકા. એમાંયે દેવભૂમિ દ્વારકાની સ્થિતિઓ અત્યંત કંગાળ. લાખો વાલીઓએ આ ગંભીરતા સમજવી પડશે. તમારાં બાળકો અને પરિવારોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. મોટી ખોટી વાતો પર ભરોસો કરતી વખતે આ કડવી હકીકતો સૌએ યાદ રાખવી પડશે.
રાજ્યના 3 જિલ્લામાં 2,295 શિક્ષકોની ઘટ. દેવભૂમિ દ્વારકામાં 1,266 અને જામનગરમાં 818 શિક્ષકોની ઘટ. ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષક ઘટે છે. એ ઉપરાંત દ્વારકાની 110 શાળાઓમાં 305 વર્ગખંડ ઘટે છે. જામનગરની 150 શાળાઓમાં 323 વર્ગખંડ ઓછા છે. આ તમામ વિગતો વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન ખુદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી.
