Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ટાટા કેમિકલ્સ કોવિડ-19ના મુશ્કેલ સમયગાળા દરમિયાન હેલ્થ માળખાગત સુવિધા વિકસાવવામાં પ્રદાન કરવામાં અને સમુદાયની સેવા કરવામાં મોખરે છે. પોતાના પ્રયાસોને જાળવી રાખીને ટાટા કેમિકલ્સ એની સીએસઆર સંસ્થા ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રુરલ ડેવલપમેન્ટ (ટીસીએસઆરડી)એ ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન કર્યું હતું અને અદ્યતન સુવિધાઓ સાથે એને સજ્જ કરી હતી. સંસ્થાએ એમ્બ્યુલન્સનું પણ દાન કર્યું હતું, જે નગરમાંથી શહેરમાં કટોકટીના કેસમાં ગંભીર બિમાર ધરાવતા દર્દીઓને લાવવામાં મદદરૂપ થશે. આ સુવિધા ઓખામાં અને એની આસપાસના સ્થાનિક સમુદાયના આશરે 25,000થી 30,000 સભ્યોને સેવા આપશે.
નવેસરથી સજ્જ અદ્યતન ઓખા અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન અને એમ્બ્યુલન્સનું દાન મુખ્ય અતિથિ પબુભા માણેકે દેવભૂમિ દ્વારકાના ડીડીઓ ડી.જે.જાડેજા (આઇએએસ), મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુથરિયા, આરસીએચઓ ડો. ચિરાગ અને ટાટા કેમિકલ્સ મીઠાપુરના પ્રોજેક્ટ્સ અને ટેકનિકલ સેવાઓ હેડ અશોક દાણીની હાજરીમાં કર્યું હતું.
કંપનીએ લેબર રૂમનું રિનોવેશન પણ કર્યું છે, જેનો ઉદ્દેશ માતૃત્વ અને નવજાત મૃત્યુદર ઘટાડવા ઉચિત સાફસફાઈ જાળવવા ગર્ભવતી મહિલાઓને મદદ કરવાનો છે. લેબર રૂમ માટે અલગથી એક શૌચાલયનું નિર્માણ પણ કર્યું છે. આ રીતે સુવિધાનું રિનોવેશન કરીને ટાટા કેમિકલ્સે આ વિસ્તારમાં હેલ્થકેર માળખા સુધારવા એક પગલું લીધું છે.
આ પ્રસંગે સ્થાનિકો અને કર્મચારીઓને સંબોધન કરતાં પબુભા માણેકે કહ્યું હતું કે,“ટાટા કેમિકલ્સે એની પહેલો સાથે સ્થાનિક સમુદાયોની સુખાકારી માટે કામ કરવાનું જાળવી રાખ્યું છે તથા ઓખામંડળ વિસ્તારમાં સ્થાનિક તબીબી સારવાર અને સુવિધાઓ માટે એનો સપોર્ટ આપવામાં મોખરે રહી છે. અમે સમુદાયના કલ્યાણ માટે એના પ્રદાનની પ્રશંસા કરીએ છીએ.”
ટાટા કેમિકલ્સના ઉત્પાદનના વાઇસ પ્રેસિડન્ટ એન કામથે કહ્યું હતું કે, “ટાટા કેમિકલ્સમાં અમે સમુદાયની સુખાકારી અને ઉત્થાનને પ્રાથમિકતા આપીએ છીએ. આ સેન્ટરનું રિનોવેશન કરવા પાછળ અમારો ઉદ્દેશ ઓખા વિસ્તારમાં અને એની આસપાસના લોકો માટે પ્રમાણભૂત હેલ્થકેર સુવિધાઓને સંસ્થાગત સ્વરૂપ આપવાનો હતો. અમને આ પહેલમાં સાથસહકાર આપવા અને અમારા વિશ્વાસ મૂકવા બદલ સરકારના આભારી છીએ.”
હેલ્થ સેન્ટર વ્યક્તિગત ઓક્સિજન જોડાણ, એક રસીકરણ રૂમ, ડ્રેસિંગ રૂમ, લાઇટ અને પાણીના પુરવઠા સહિત સ્ટોર રૂમ સાથે 10 બેડ ધરાવે છે. આ સુવિધાનું સંપૂર્ણપણે રિનોવેશન થયું છે તથા કટોકટી અને કોવિડની સારવારના કેસમાં ગંભીર દર્દીઓને સારવાર આપવા ઓક્સિજન સાથે સજ્જ પણ છે. એમાં મુખ્યત્વે એ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે, સમુદાયને ઉચિત સાફસફાઈ સાથે આરોગ્યલક્ષી સુવિધા મળી રહે.