Mysamachar.in-મોરબી:
મોરબી જિલ્લાનું ટંકારા ઘણી બધી વખત ચર્ચાઓ અને સમાચારોમાં રહેતું હોય છે. વધુ એક વખત ટંકારાનું નામ ગાજયું છે. મોરબી-રાજકોટ રોડ પર ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં એક રિસોર્ટ પર દરોડો પાડી પોલીસે રૂ. 63 લાખ કરતાં વધુ રકમના મુદ્દામાલ સાથે કુલ 9 જૂગારીઓને ઝડપી લીધાં છે અને 1 શખ્સને ફરારી જાહેર કર્યો છે. ચર્ચાઓ તો એવી પણ છે કે, પ્રદેશ ભાજપાના એક અગ્રણી આ રિસોર્ટમાં ભાગીદાર છે, અને જામનગરના કાલાવડનો એક ખેલાડી આ ક્લબ ઓપરેટ કરતો હોવાની વિગતો પણ બહાર આવી છે.

ટંકારા પોલીસે કમ્ફર્ટ નામના આ રિસોર્ટ કમ હોટેલમાં રૂમ નંબર 105માં દરોડો પાડ્યો હતો. પોલીસે આ જગ્યાએથી ઝડપી લીધેલાં 9 જૂગારીઓના નામો: ગોપાલ રણછોડ સભાડ, ચિરાગ રસિક ધામેચા, વિમલ રામજી પટેલ, ભાસ્કર પ્રભુદાસ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષ ગંગદાસ ઠુમર ( રહે. બધાં રાજકોટ) ઉપરાંત મોરબીના રવિ મનસુખ પટેલ અને નિતેષ નારણ ઝાલરીયા તથા કાલાવડના ખરેડીનો રહેવાસી રઘુવીરસિંહ(દીપકસિંહ) બહાદુરસિંહ જાડેજા. આ ઉપરાંત રજની ભરત દેત્રોજા(મોરબી)ને ફરારી જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે દરોડામાં વિવિધ કલરના ટોકન, રૂ. 12 લાખ રોકડા, 2 મોટર તથા 8 મોબાઈલ મળી કુલ રૂ. 63.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. મોરબી જિલ્લા પોલીસ દેશી દારૂ, ચોરી વગેરેના સમાચારો આરોપીઓ સાથે સોશિયલ નેટવર્કિંગ ગ્રૂપમાં મૂકે છે, આ સમાચાર ગ્રૂપમાં મૂકાયા નથી. ઘણાં કહે છે, આ ક્લબ લાંબા સમયથી ધમધમતી હતી, ઘણાં કહે છે હમણાં શરૂ થઈ. આ દરોડાને કારણે તહેવાર ટાણે જૂગારરસિકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે.ઝડપાયેલ ભાસ્કર પારેખ એ શખ્સ છે, જે વર્ષો અગાઉના ભાસ્કર-પરેશ અપહરણ કાંડનો ફરિયાદી છે.(symbolic image)
