Mysamachar.in-જામનગર:
તાજેતરમાં રાજ્યના મુખ્ય સચિવે એક વીડિયો કોન્ફરન્સને સંબોધી હતી. આ કોન્ફરન્સમાં જામનગર સહિત સમગ્ર રાજ્યના જિલ્લા સત્તાવાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે, સમગ્ર રાજ્યમાં હીટવેવની સ્થિતિઓ દરમિયાન બાંધકામ શ્રમિકોને ગરમીથી રક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યની તમામ બાંધકામ સાઈટ્સ પર શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન આરામ આપવો, તેમની પાસેથી કામ ન લેવું. આ સૂચનાઓ છતાં જામનગરમાં સરકારની આ સૂચનાઓનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.
સરકારની આ સૂચનાનો અમલ જામનગરમાં ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કરાવવાનો હોય છે, પરંતુ સૌ જાણે છે એમ- જામનગરની આ કચેરીમાં ઘણાં સમયથી લાલિયાવાડીઓ ચાલી રહી છે. આ કચેરીના બે મુખ્ય અધિકારીઓ પૈકી એક પણ અધિકારીને સરકારી ‘ફરજો’માં કોઈ રસ ન હોય એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
આ પ્રકારની સ્થિતિઓને કારણે જામનગરમાં બાંધકામ સાઈટ્સ પર સરકારની, શ્રમિકોને હીટવેવથી રક્ષણ આપવાની સૂચનાનો સરેઆમ ઉલાળિયો થઈ રહ્યો છે. બાંધકામના પાંચમા સાતમા માળે ધોમધખતા તાપમાં શ્રમિકો પાસેથી પ્રતિબંધિત સમયે પણ કામ લેવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત બાંધકામ સાઈટ્સ પર જમીન પર ભારે તડકામાં શ્રમિકો બાંધકામ સામગ્રી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી રહ્યા છે. ઉપરોકત કચેરી સરકારની સૂચનાનું પાલન કરાવતી નથી. સરકારના નિયમનું અર્થઘટન પણ ખોટી રીતે કરી રહી છે. શહેર કે જિલ્લામાં કયાંય ચેકિંગ કરવામાં આવતું નથી. અધિકારીઓ ઓફિસમાં બેસી સબ સલામતની વાતો કરી રહ્યા છે. આ સ્થિતિઓ વચ્ચે, હીટવેવને કારણે બાંધકામ સાઈટ્સ પર કોઈ શ્રમિકનો જિવ જશે તો ? આ માટે જવાબદાર કોણ લેખાશે ? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ પૂછાઈ રહ્યો છે.