Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
લોકડાઉનના ત્રણ માસ દરમિયાન વાલીઓનાં ધંધા રોજગાર બંધ હતા. સ્કુલ- કોલેજોમાં અભ્યાસ આગામી સમયમાં શરુ થવાની સંભાવના છે, ત્યારે આવા કપરા સમયે તેમનાં બાળકોની સ્કુલ – કોલેજો ની પ્રથમ સત્રના છ માસની ફી ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે ખુબ જ કઠિન છે. સ્કુલ-કોલેજની પ્રથમ સત્રની સંપુર્ણ ફી માફ થવી જોઈએ તેવો સુર વાલીઓમાંથી ઉઠી રહ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર વિદ્યાર્થીઓની ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યુ હોવાનું જાણવા મળેલ છે. અને વિદ્યાર્થીઓના ગત વર્ષના રિઝલ્ટ પણ અટકાવવામાં આવ્યા હોવા ઉપરાંત ફી માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો અહીંના એન. એસ. યુ. આઈ. દ્વારા કરવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી લોકડાઉનના કારણે કામધંધા રોજગાર અસરગ્રસ્ત બન્યા હોવાથી તેમજ આર્થિક રીતે હજુ અનેક પરિવારો ભીડમાં હોવાના કારણે વાલીઓ ફી ભરી શકે તેમ નથી. જે સમયે બાળકો સ્કુલે ન ગયા હોય, સ્કુલો બંધ હોય, તેમ છતાં આ સમયગાળાની ફી વસુલવા સ્કુલ સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવતાં આવી સ્કુલો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ લોકડાઉનના કપરાકાળમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાનગી શાળાઓએ પોતાની આવક ચાલુ રાખવા માટે ઓનલાઈન શિક્ષણનું ડિંડક ઉભું કર્યુ છે.
આ મામલે એન. એસ. યુ. આઈ. દ્વારા તાત્કાલિક ખાનગી શાળાઓ દ્વારા અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી રજુઆત જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.આ તમામ બાબતે રજુઆત પછી પણ કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. બેફામ ફી ઉઘરાવતીને ચલાવાતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં નહી લેવામાં આવે તો એન. એસ. યુ. આઈ. દ્વારા આવી તમામ શાળાઓ સામે ઉગ્ર આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.