Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામા ખનીજ ચોરીએ કંઇ નવી બાબત નથી પરંતુ ખુબીની વાત એ છે કે મુદામાલ જપ્ત થાય પરંતુ ખનીજચોરો ન ઝડપાયા હોય છતા તંત્ર તેને સફળ દરોડો ગણે છે, બીજી તરફ કલ્યાણપુર તાલુકાની મુખ્ય એવી બોક્સાઇટ ચોરીની તપાસ પણ ખરેખર તપાસનીસ માટે કઠીન છે કેમકે સ્થાનિક કક્ષાએથી વારંવાર બધુ સમુનમુ થઇ જતુ હોય વળી ચોમાસામાં તો ખાડાઓ જથ્થો વગેરે તપાસવા પણ શક્ય નથી, ખાણ ખનીજ વિભાગની ટીમ કે પોલીસ સ્ટાફ દ્વારા અવાર નવાર ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં ખનીજચોરી અંગે કાર્યવાહી કરવામાં આવે છે,
હિટાચી જેવા સાધનોથી ચોરી થઇ રહી હોવાની બાતમી ઉપરથી તપાસ ટુકડી ચેકીંગમાં જતાં હોય ત્યાંથી મશીનરીથી ચાલતું ખોદકામ મળી આવે મશીન મળી આવે પણ ક્યારેય કોઈ ખનીજ માફિયાઓ મોટાભાગના કિસ્સાઓમાં મળી આવતા નથી, ગોઠવણો કઈક એ પ્રકારની છે કે ખાણખનીજ ખાતાની જીપ આવતાની સાથે જ આ ખનીજચોરો પલાયન થઇ જાય છે, જો કે મૂળ માલિક અને ખનીજચોરો સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ ખનીજચોરો પલાયન થયા હતા અને હજુય પલાયન રહ્યા છે જોકે હવે આવું તો કેટલાય કિસ્સાઓમાં થાય છે ખનીજચોરો તો ઝડપાયા નથી છતાય આવા દરોડાને સફળ દરોડા ગણાવાય છે અને સફળતા ઝાંઝ પખાવજથી ગવડાવાય પણ છે.