Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકાના મીઠાપુર વિસ્તારમાં મધ્યરાત્રીના સમયે એક શંકાસ્પદ બોલેરોમાં નીકળેલા કેટલાક ગુનેગાર મનાતા શખ્સોને પોલીસે શંકાના આધારે અટકાવતા આ શખ્સોએ પોલીસને અવગણી, પોલીસ સ્ટાફ પર પોતાનું વાહન ચડાવી દઈને હત્યા પ્રયાસ નિપજાવવાનો પ્રયાસ કરતાં પોલીસે આવા શખ્સોને પડકારીને પીછો કર્યો હતો. પરંતુ આરોપી શખ્સો નામ – નંબર વગરનું બોલેરો વાહન રસ્તા પર છોડીને અંધારામાં નાસી છૂટ્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા શનિવાર તા. 25 ના રોજ મધ્યરાત્રિના સમયે પોલીસ સ્ટાફ દ્વારા હોમગાર્ડઝના જવાનોને સાથે રાખીને મીઠાપુર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ફરજ પર રહેલા ઓખાના રહીશ એવા પોલીસ કોન્સ્ટેબલ દેવાણંદભાઈ જીવાભાઈ ચાવડા તથા અન્ય પોલીસ અને હોમગાર્ડઝના જવાનો શનિવારે ચઢતા પહોરે પેટ્રોલિંગ દરમિયાન આરંભડાના પાડલી રોડ પર આવેલા એલ એન્ડ ટી કંપનીમાં જવાના રસ્તા નજીક વાહન ચેકિંગની કાર્યવાહી કરી રહ્યા હતા.
પોલીસ તથા હોમગાર્ડઝના જવાનોએ આ માર્ગ પર આવી રહેલી એક સફેદ કલરની બંધ બોડીની નંબર પ્લેટ વગરની બોલેરોને અટકાવવા માટે બેટન લાઈટથી તેમજ હાથ વડે ઈશારો કરી, વાહન ઉભું રાખવા જણાવ્યું હતું. પરંતુ બોલેરો ચાલકે વાહન ઉભું રાખવાના બદલે ફરજ પરના પોલીસ કર્મી દેવાણંદભાઈ ચાવડાને કચડી નાખી અને જાનથી મારી નાખવા માટે તેમના પર બોલેરો ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ કર્મી સમય પારખીને એક બાજુ હટી જતા તેમનો બચાવ થયો હતો. આ પછી આરોપીઓનું નંબર પ્લેટ વગરનું બોલેરો વાહન મીઠાપુરના પોલીસના સરકારી બોલેરો વાહનના આગળના ભાગે ટકરાયું હતું. જેથી આ સરકારી વાહનમાં નોંધપાત્ર નુકસાન થવા પામ્યું હતું.
આ બોલેરો વાહનમાં રહેલા આશરે પાંચ થી છ જેટલા આરોપી શખ્સોએ પોલીસ તરફ ક્રૂરતાભર્યું વલણ અખત્યાર કરી અને તેઓ પાસે રહેલા લાકડી તથા લોખંડના પાઇપ ઉગામી અને સરકારી કર્મચારીઓને હથિયારો વડે માર મારવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેઓ પર આરોપીઓએ પથ્થરો ફેંકી અને બાદમાં બોલેરોમાં બેસી પોતાનું વાહન ખંભાળિયા માર્ગ પર હંકારી દીધું હતું.
મધ્યરાત્રિના સમયે પુરપાટ વેગે હંકારી જતા બોલેરો વાહનના આરોપીઓનો પણ પોલીસે પીછો કર્યો હતો. આશરે 50-60 કિલોમીટર સુધી પોલીસે પીછો કરી, આ અંગે ખંભાળિયા પોલીસને જાણ કરતાં અહીંની પાયલ હોટલ નજીક રસ્તામાં પોલીસ તથા ટ્રાફિક પોલીસે રસ્તા આડે બેરીકેટ અને ટ્રક વિગેરે મૂકી અને મીઠાપુર બાજુથી નાસી છૂટેલા બોલેરોને અહીં અટકાવવામાં સફળતા મેળવી હતી. તેઓ પાછળ આવી રહેલા મીઠાપુરના પોલીસ સ્ટાફે અહીં આરોપીઓને અટકાવતા આરોપીઓએ પરિસ્થિતિ પારખીને પોતાનું વાહન અહીંના દ્વારકા હાઇવે પર મૂકીને અંધારામાં નાસી છૂટવામાં સફળ થયા હતા.
ફિલ્મી દ્રશ્યો સર્જાતા પોલીસે પણ આવા ખૂંખાર મનાતા આરોપીઓનો પીછો કરીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ચોક્કસ ગેંગના મનાતા પાંચ થી છ જેટલા શખ્સો દ્વારા મીઠાપુર નજીક પોલીસની ફરજમાં રૂકાવટ કરીને લોખંડના પાઇપ, લાકડી જેવા હથિયારો સાથે રાખીને પોલીસ કર્મીની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરવા ઉપરાંત સરકારી વાહનમાં નુકસાની કરીને નાસી જતા નંબર વગરની બોલેરોમાં જતા આ પાંચ થી છ જેટલા શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 307, 186, 114 તથા ધ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ મીઠાપુરના ઇન્ચાર્જ પીઆઈ એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરીને આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.