Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટીવ કેસ જાહેર થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ રોગના 15 શંકાસ્પદ બાળદર્દીઓના મોત થયા છે, જે પૈકી એક શંકાસ્પદ બાળકનું મોત જામનગરની જીજી હોસ્પિટલમાં થયું છે. આ બાળદર્દી દેવભૂમિ દ્વારકાનું હોવાનું જાહેર થયું છે.
જીજી હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કુલ પાંચ બાળ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી, તે પૈકી 1 બાળ દર્દીનું આજે વહેલી સવારે સારવારમાં મોત થયું છે. આ બાળ દર્દીને દ્વારકા જિલ્લામાંથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ, આ મોત થયું છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં અત્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ એવા અન્ય 4 બાળ દર્દીઓ ICU માં સારવાર હેઠળ છે. આ બાળ દર્દીઓની સારવાર સાથે જ એમના સેમ્પલ પૂના લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. રિપોર્ટ આવવાનો સમયગાળો 21 દિવસનો હોય છે.