Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ આજરોજ સવારે દ્વારકાની ખાસ મુલાકાતે આવ્યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, આસ્થા વ્યક્ત કરી હતી. ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડનું આજે સવારે દેવભૂમિ દ્વારકા ખાતે આગમન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. તેમની સાથે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી સમીર સારડા સહિતનો પોલીસ કાફલો સુરક્ષામાં રહ્યો હતો. દ્વારકા બાદ તેઓ નાગેશ્વર ખાતે પણ દર્શન માટે તેના રવાના થયાનું જાણવા મળ્યું છે.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ દ્વારકા ખાતે આવેલા જગતમંદિર ખાતે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા. તેમણે ધજા પૂજન તથા પાદુકાપૂજન કરી ડી.એલ.એસ.એ. દેવભૂમિ દ્વારકા દ્વારા સ્થાપવામાં આવેલ કાનૂની સહાય કેન્દ્રની મુલાકાત લઈ ડી.એલ.એસ.એ. દ્વારા કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન નીચે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાધીશ મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવતા દર્શનાર્થીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવેલ છે.
જે કાનૂની સહાયતા કેન્દ્રની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓની સાથે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર. મેંગડે, દેવભૂમિ દ્વારકાના ડીસ્ટ્રીક્ટ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસ, નામદાર ગુજરાત હાઇકોર્ટના જ્યુડીસીયલ બ્રાન્ચ રજિસ્ટ્રાર એસ.ડી. સુથાર, જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, ડી.એલ એસ.એ. સેક્રેટરી, એ.એસ.પી. રાઘવ જૈન, પ્રાંત અધિકારી ભગોરા, મંદિર સુરક્ષાના ડીવાયએસપી સારડા, તથા ડિસ્ટ્રીક્ટ કોર્ટના પ્રોટોકોલ ઓફિસર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કર્મચારીઓ, તાલુકા કાનૂની સેવા સમિતિના કર્મચારી તથા પી.એલ.વી. વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.