Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલ અવારનવાર છાપે અને છાપરે ચડે છે એ વાત થોડીવાર માટે ભૂલી, એ પણ યાદ રાખવું જોઈએ કે, આ હોસ્પિટલ ઘણાં બધાં લોકો માટે ઉપકારક છે. અહીં ઘણાં નોંધપાત્ર કામો એવા પણ થઈ રહ્યા છે જે અંગે જાણવું જરૂરી હોય છે. તબીબી ક્ષેત્રે સિદ્ધિની આવી એક સારવારકથા અહીંના ચામડીના વિભાગમાં જોવા મળી છે.
પોરબંદરની 20 વર્ષની એક યુવતીની જિંદગીમાં શ્રાપ ઉતર્યો ! યુવતી શારીરિક અને માનસિક રીતે ભયાનક ચિંતાઓમાં ઘેરાઈ ગઈ અને આ યુવતિને થયેલા ચામડીના ભયાનક રોગને કારણે આખો પરિવાર આ યુવતિની ચિંતાઓમાં ડૂબી ગયો. હવે શું થશે ? આ પ્રશ્નએ પરિવારનું જિવવું હરામ કરી નાંખ્યુ. પણ આ યુવતિને સહારો મળી ગયો જીજી હોસ્પિટલના ચામડીના વિભાગમાં.
આ યુવતિની કરમકથા જાણતાં પહેલાં, આ રોગ સંબંધિત કેટલીક બાબતો જાણવાલાયક છે. જે અત્યંત ગંભીર અને ચિંતાપ્રેરક છે. આ યુવતિ SJS એટલે કે તબીબી ભાષામાં જેને સ્ટીવન જ્હોનસન syndrome કહે છે એ રોગની પીડા સાથે જીજી હોસ્પિટલમાં દાખલ થઈ. આ એક ચામડીનો રોગ છે. આ SJS લક્ષણો દેખાયા બાદ આ યુવતિનો રોગ TEN એટલે કે ટોક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ બની ગયો. આ રોગ ગંભીર બિમારી છે. આ બિમારીમાં દર્દીની ચામડીનું ઉપરનું સ્તર એટલે કે કવચ ચામડીથી છૂટું પડી જાય, માણસ સખત દાઝી જાય અને ચામડીની જે હાલત થાય એવી સ્થિતિઓ આ રોગમાં જોવા મળે !
માણસની ત્વચાને રક્ષણ આપતું આ આવરણ અલગ થઈ જવાથી અનેક જિવલેણ પરિસ્થિતિઓ ઉભી થઈ શકે. જેમ કે સૌથી ગંભીર એવી પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની માણસના શરીરમાં ઉણપ સર્જાય. શરીરમાં પાણી ઘટી જવાથી શરીરના લોહીમાં ઝેરી ચેપ એટલે કે સેપ્ટિસેમિયા થઈ શકે, જે માણસના મોતનું પણ કારણ બની શકે. આ ઉપરાંત મોં, ગળું, આંખો અને શ્વાસનળીના મ્યુકસમેમ્બ્રેમાં ફોડલા થવાથી શ્વાસમાં તકલીફ થઈ જાય અને આંખની દ્રષ્ટિ પર કાયમી અસર પણ આવી શકે.
આ યુવતિના કેસમાં તપાસ દરમ્યાન જાણકારીઓ બહાર આવી કે, આ દુર્લભ પરંતુ જિવલેણ સ્થિતિનું કારણ કાર્બામાઝેપીને નામની દવા હતી. ઘણાં કેસમાં આ દવા ગંભીર એલર્જીક પ્રતિક્રિયા એટલે કે રિએક્શનના રૂપમાં ચામડી ઉપર ઘણી જ ગંભીર અસરો દર્શાવી શકે છે.
જીજી હોસ્પિટલમાં ચામડીના વિભાગમાં આ વિભાગના હેડ ડો.દેવલ વોરા અને તેમની ટીમે આ યુવતિની ગંભીર બિમારીનો સફળ ઈલાજ કર્યો. આ ટીમમાં સહાયકો તરીકે ડો.કાજોમી શિંગાળા અને અન્ય રેસિડેન્ટ તબીબો જોડાયા. આ યુવતિને વિવિધ અને મોંઘી દવાઓ આપવામાં આવી અને નિયમિત ડ્રેસિંગ સારવાર આપવામાં આવી. સતત 20 દિવસની સારવાર બાદ આ યુવતિનું શરીર સામાન્ય બની ગયું અને તેણીને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તેણી હવે અગાઉ માફક સામાન્ય જિવન જિવી રહી છે.
આ સમગ્ર કવાયતમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી અને મેડિકલ કોલેજ ડીન ડો. નંદિની દેસાઈનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ડોક્ટર્સના કહેવા અનુસાર, માર્ગદર્શન સિવાય કોઈ દવાઓનું સેવન કરવું નહીં. અને, શરીરમાં કોઈ પણ અસામાન્ય લક્ષણ દેખાય તેવા કેસમાં ડોક્ટરની સલાહ તાત્કાલિક લેવી.


