Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ હવે પોતાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસ કરી વધારાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આજે ગીતાજયંતિ નિમિતે આ પુસ્તકનું વિમોચન કર્યું.
આગામી શૈક્ષણિક સત્રથી આ પુસ્તકને અભ્યાસક્રમના પૂરક પુસ્તક તરીકે બાળકોને ભણાવવામાં આવશે. શ્રીમદ ભગવદ ગીતાના સિદ્ધાંતો બાળકોને શીખવવામાં આવશે. ગીતાના વિવિધ સંસ્કૃત શ્લોકોનું આ પુસ્તકમાં ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના બાળકોને ભગવાન શ્રીકૃષ્ણ સંબંધિત પર્યાવરણ જાણકારીઓ પણ આપવામાં આવશે,એમ શિક્ષણમંત્રીએ આ વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
બાળકોને તમામ પ્રકારના જ્ઞાનની જાણકારીઓ મળી રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાદમાં આ અભ્યાસને ક્રમશ: ધોરણ 12 સુધી લંબાવવામાં આવશે. આ પુસ્તકનું નામ સચિત્ર ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો રાખવામાં આવ્યું છે. વિમોચનનો આ કાર્યક્રમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.