Mysamachar.in-જામનગર:
મુંબઈ નેવી એક શખ્સને સસ્પેન્ડ કરે છે અને એ જ શખ્સ, કોઈ રીતે જામનગરમાં આઈએનએસ વાલસુરામાં ઘૂસી જાય છે અને સંવેદનશીલ ચોરીને અંજામ આપે છે ! પછી, તેની ધરપકડ થાય છે અને આખી કહાની અમદાવાદથી ગુજરાત પોલીસ બ્રેક કરે છે, જેની એક અખબારના હવાલેથી મળતી વિગતો મુજબ..
જામનગર નેવલ બેઝ આઈએનએસ વાલસુરામાં તાલીમ લેતાં સેઈલરો (ખલાસી- નૌકાદળના જવાન)નાં 31 સેલફોન ચોરાઈ ગયા ! સાથે કેન્ટોનમેન્ટના કેટલાંક કાર્ડસ પણ ચોરાઈ ગયા. પોલીસે ઉમેશ નામનાં શખ્સ (સસ્પેન્ડ થયેલો મુંબઈ નેવીનો ખલાસી)ની ધરપકડ કરી. આ શખ્સ ગુનાની દુનિયાનો મોટો જાદૂગર છે, જેણે મુંબઈ નેવી ખાતે જબરો ખેલ પાડ્યો હતો જેમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી, તે નેવીનો જવાન ન હતો છતાં જામનગર નૌકાદળ જેવી સંવેદનશીલ જગ્યા (આઈએનએસ વાલસુરા) માં ઘૂસી ગયો ! અંદર ચોરી કરી ! અંતે, ઝડપાઈ ગયો.
મુંબઈ નૌકાદળ ક્વાર્ટર સત્તાવાળાઓ સાથે આ શખ્સે છેતરપિંડી કરી હતી, બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને પોતાના સંબંધીઓને મુંબઈ નૌકાદળ જેવી સંવેદનશીલ જગ્યામાં ગેરકાનૂની રીતે પ્રવેશ અને વસવાટ માટેની વ્યવસ્થા કરી આપી હતી ! એવું મુંબઈમાં નોંધાયેલી આ શખ્સ વિરુદ્ધની ફરિયાદ કહે છે !
ગત્ 28 નવેમ્બરે ગુજરાત પોલીસે ઉમેશ નામનાં આ શખ્સને જામનગરમાંથી ઝડપી લીધો અને આઈએનએસ વાલસુરા સત્તાવાળાઓને તેની સોંપણી કરી દીધી હતી. આ મામલો આમ તો છેક 18 નવેમ્બરે જ જાહેર થઈ ગયો હતો. નૌકાદળના ધીરેન્દ્રકુમાર બેહરૂકે મુંબઈનાં કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ઉમેશ નામનાં આ શખ્સ વિરુદ્ધ છેતરપિંડી સહિતના ગુનાઓ અંગે ફરિયાદ નોંધાવી પછી આ મામલો પ્રકાશમાં આવ્યો. ફરિયાદ કહે છે: ઉમેશે પોતાના ભાઈ રાહુલ કુમાર અને એક પિતરાઈ ભાઈને મુંબઈમાં કોલાબા વિસ્તારમાં આવેલા ન્યૂ નેવી નગરમાં ક્વાર્ટરમાં ગેરકાનૂની રીતે આશરો આપ્યો હતો. આ શખ્સો ગત્ જૂનથી નવેમ્બર દરમિયાન અહીં ગેરકાયદે વસવાટ કરતાં હતાં !
ફરિયાદમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત ક્વાર્ટર નેવીના માત્ર પરણિત જવાનોને જ આપવામાં આવે છે. તેનાં માટે લગ્ન પ્રમાણપત્ર આપવું પડે. ઓનલાઇન એપ્લિકેશન કરવી પડે. સાથે ટ્રાન્સફર ઓર્ડર પણ અપલોડ કરવો પડે. એ ક્વાર્ટર પર ઉમેશે કોઈ રીતે કબજો કરી લીધો અને ગેરકાનૂની રીતે પોતાનાં ભાઈ રાહુલ અને પિતરાઈ રોહિતને ત્યાં વસવાટ કરવાની સુવિધા કરી આપી !
એક સિનિયર પોલીસ અધિકારી આ રિપોર્ટમાં કહે છે: ઉમેશની નોકરી મુંબઈમાં નૌકાદળમાં હતી. તેનો ભાઈ રાહુલ ડિલિવરી બોય તરીકે કામ કરે છે. બાદમાં ઉમેશની ટ્રાન્સફર તામિલનાડુ થઈ. પરંતુ રાહુલ અને રોહિત મુંબઈમાં આ ક્વાર્ટરમાં જ રહેતાં હતાં ! નૌકાદળના અધિકારીઓએ ઉમેશના ભાઈ રાહુલને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ઝડપી લીધો છે. રાહુલ અને રોહિતના કબ્જામાંથી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો અને રબ્બર સ્ટેમ્પ વગેરે મળી આવ્યા છે ! ઉમેશને મામલાની ગંધ આવી જતાં તે તામિલનાડુથી દિલ્હી ભાગી ગયો ! પછી, જામનગર નાં સુદામા ઘૂસ્યો. જ્યાં તેણે તાલીમાર્થીઓનાં 31 સેલફોન ચોર્યા ! કેટલાંક કાર્ડ પણ ચોરી લીધાં !
-પોલીસ સ્ટેશનમાં શું FIR છે ?
આઈએનએસ વાલસુરાનાં કમાન્ડીગ ઓફિસર તરીકે ફરજ બજાવતા બલદેવસિંઘ વતી કેપ્ટન અવિનાશ ચૌધરીએ એવી ફરિયાદ નોંધાવી છે કે, અન્ય એક શખ્સ પણ શંકાસ્પદ છે જેની પૂછપરછ કરવામાં આવી છે. આ શખ્સનું નામ ચંદ્રભારથી છે. જે હેલ્પર છે. CCTV ફૂટેજ કહે છે: ગોસ્વામીનાં બાઈક પાછળ ઉમેશ બેઠો હતો. ચંદ્રભારથી કહે છે: તેણે કોઈને લિફટ આપી ન હતી. વાલસુરા સત્તાવાળાઓએ ચંદ્રભારથીની સોંપણી સ્થાનિક પોલીસને કરી દીધી છે. આખો મામલો અતિ ગંભીર અને સંવેદનશીલ છે. ભારતીય નૌકાદળ અને દેશની સુરક્ષા સાથે સંકળાયેલો આ મામલો અત્યંત તેજ ગતિએ તપાસનાં સ્કેનર હેઠળ છે.અને તેની વિશેષ તપાસ છાનીબીન થઇ રહી છે.