Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્ય અને દેશભરમાં ખાનગી હોસ્પિટલોએ અત્યાર સુધી મનમાની ચલાવી રૂમભાડાંથી માંડીને ડોક્ટર ફી સુધીની બધી જ બાબતોમાં ‘સફેદ લૂંટ’ ચલાવી. પણ હવે આ દાદાગીરી બંધ થઈ જશે, જો નવા સ્ટાન્ડર્ડનો સરકાર દેશભરમાં અમલ કરાવી શકશે તો.
સૌ જાણે છે કે, એક પણ ખાનગી હોસ્પિટલ પોતાની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓના ભાવનું ભાવપત્રક હોસ્પિટલમાં પ્રદર્શિત કરતી નથી. મનફાવે તે રીતે બિલ બનાવે, અમુક કિસ્સાઓમાં બિલ પણ ન આપે, ખોટાં બિલનો બિઝનેસ પણ કરે અને આંશિક બિલની પ્રથા પણ ચલાવે. આ બધી જ અનિયમિતતાઓ અને ગેરરીતિઓ હવે સાવ ખુલ્લી પડી ગઈ.
લોકલ સર્કલ નામની એક NGO એ દેશભરમાં આ સંબંધે સર્વે કર્યો હતો. જેમાં 55 ટકા દર્દીઓ બોલ્યા કે, હા અમને લૂંટવામાં આવ્યા છે. હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી નાણાં વસૂલવામાં મનમાની કરી છે.
આ તારણો જાહેર થઈ ગયા બાદ સરકારની એજન્સી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(BIS જે સોનાના દાગીના પરના હોલમાર્ક પણ નિયત કરે છે)એ એક નોટિફિકેશન દ્વારા IS:19493:2025 જાહેર કર્યું. જે અંતર્ગત હવે હોસ્પિટલોએ આ નંબર પ્રાપ્ત કરી, લોકોનો વિશ્વાસ જિતવા તમામ ભાવ સ્ટાન્ડર્ડ રીતે વસૂલવાના રહેશે. જે હોસ્પિટલો આ નંબર એટલે કે પ્રમાણપત્ર ધરાવતી નહીં હોય, તે હોસ્પિટલોનો લોકો ભરોસો કરશે નહીં.
આ નવા સ્ટાન્ડર્ડ અનુસાર, દરેક ખાનગી હોસ્પિટલોએ હવેથી આ સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું રહેશે. અને રૂમભાડું- કન્સલ્ટન્ટ ફી- ઓપરેશન ખર્ચ- રોગની તપાસ- દવાઓ અને દવાઓ ઉપરાંતની તમામ ચીજો જે હોસ્પિટલો દ્વારા દર્દીઓને આપવામાં આવે, એ બધી જ બાબતોમાં સરકારે નિર્ધારિત કરેલાં ભાવોથી વધુ ચાર્જ લઈ શકાશે નહીં અને આ બધી બાબતો અને ખર્ચનું દર્દીઓને પાકું બિલ આપવાનું રહેશે.
ટૂંકમાં, હોસ્પિટલો હવે દર્દીઓને ખર્ચ બાબતે ‘ચીરી’ શકશે નહીં. હોસ્પિટલો ઉપરાંત તમામ નર્સિંગ હોમ, ક્લિનિક, ડાયાગ્નોસ્ટિક સેન્ટરને પણ આ સ્ટાન્ડર્ડ લાગુ પડે છે. જો સરકારો આ સ્ટાન્ડર્ડનો કડક અમલ કરાવી શકશે તો કરોડો દર્દીઓ લૂંટાતા બચી શકશે, હોસ્પિટલોની મનમાની અટકશે. આ સ્ટાન્ડર્ડમાં એમ પણ કહેવાયું છે કે, દર્દીઓને જે દવાઓ આપવામાં આવે તેની પણ તમામ વિગતો (બેચ નંબર સહિત) પાકાં બિલમાં દર્દીઓને આપવાની રહેશે.


