Mysamachar.in-ગાંધીનગર:
તાજેતરમાં જ અમદાવાદમાં એકના ડબલ કરવાની લાલચ આપીને શાહ દંપતી દ્વારા ૨૬૦ કરોડની છેતરપીંડીનો કિસ્સો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે,ત્યારે શિક્ષિત બેરોજગારોથી માંડીને અનેક લોકો સાથે કોલ સેન્ટરના માધ્યમથી કરોડો રૂપિયાની છેતરપીંડીના બનાવો હમણા-હમણાં અનેક સ્થળોએ થી બહાર આવ્યા છે.
તેવામાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રીનું ફોનના ટ્રૂ કોલરમાં નામ લખીને મંત્રીના નામે લાખો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવતા ખુદ મંત્રીના અંગત સચિવએ ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે,
સાઇબર ક્રાઇમ હેઠળ બનેલ આ નવતર છેતરપીંડીનો ખુદ રાજ્યના મંત્રી વાસણભાઈ આહીર પણ ભોગ બન્યા હોય તેમ ચીટર ટોળકી દ્વારા ફોનના ટ્રૂ કોલરમાં મંત્રીના નામે મંત્રીના જ સંબંધીઓને ફોન કરીને હોસ્પીટલમાં આપોરેશન વગેરે સારવાર માટે પૈસાની જરૂર હોય બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવાનું જણાવીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવી રહ્યું છે,
આ અંગે ખુદ મંત્રી વાસણભાઈ આહીરને જાણ થતા તેમના નામે આચરવામાં આવેલ છેતરપીંડી અંગે તેમના અંગત સચિવ દ્વારા ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે,
અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાના વાસણભાઈ આહીર ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના સામાજીક અને શૈક્ષણીક પછાત વર્ગ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે,
ત્યારે ચીટર ટોળકીએ યુક્તિપૂર્વક ટ્રૂ કોલરના માધ્યમથી આસાનીથી વાસણભાઈ આહીરના ૧૦ જેટલા સંબંધીઓ પાસેથી બેંક દ્વારા નાણાં ટ્રાન્સફર કરીને લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાનો નવતર કીમિયો સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી છે.આઈ.ટી.એક્ટ મુજબ સાઇબર ક્રાઇમના આ ગુન્હાની તપાસ તેજ કરી છે.