Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1950ની કલમ-8 હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.
વધુ વિગતો આપતા કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે.
આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના પણ અપાઇ છે.