Mysamachar.in-જામનગર:
જામનગરમાં દરરોજ બપોરે 01:00 થી 01:30 વાગ્યા દરમિયાન, ડીકેવી કોલેજ-આરામ હોટેલથી માંડીને જીજી હોસ્પિટલ-મેડિકલ કોલેજ દરવાજા સુધી ભયાનક ટ્રાફિક જામ સર્જાય છે. દરરોજ આ ટ્રાફિક જામ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સર્જે છે. નવાઈની વાત એ છે કે, આ રોજની ટ્રાફિક જામ સમસ્યાના ઉકેલ માટે જામનગરની ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં સળી ભાંગીને બે કરી નથી. પરિણામે દરરોજ હજારો વાહનચાલકોએ ભારે હાલાકીઓ સહન કરવી પડે છે, જેમાં એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો પણ ઘણી વખત ફસાઈ જતાં હોય છે.
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો બપોરે છૂટવાનો સમય થાય એ પહેલાં સ્કૂલ નજીક સંખ્યાબંધ રિક્ષા, સ્કૂલ વાનો અને ટુ વ્હીલર તથા ફોર વ્હીલર લઈને સંતાનોને લેવા આવતાં વાલીઓના વાહનો આ અતિ વ્યસ્ત એવા પંડિત નહેરૂ માર્ગ પર ખડકાઈ જાય છે. અને સ્કૂલ છૂટે ત્યારે અહીં સ્કૂલ પાસે તેમજ હિંમતનગર રોડ પાસે અને છેક મેડિકલ કોલેજ સુધી સેંકડો વાહનો સરેરાશ 20થી 30 મિનિટ સુધી ફસાઈ જાય છે. તમામ વાહનચાલકોએ હાલાકીઓ વેઠવી પડે છે, વાહનોના ધૂમાડા અને ગરમીનું પ્રદૂષણ પણ ફેલાઈ છે.
અચરજની વાત એ પણ છે કે, આ સમસ્યા કાયમી હોવા છતાં સ્કૂલ સંચાલકોએ તેનો ઉપાય કયારેય વિચાર્યો નથી અને શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવાની શોખીન ટ્રાફિક પોલીસ શાખાએ પણ કયારેય ટ્રાફિક જામની આ સમસ્યાઓ અંગે કશો વિચાર કર્યો નથી. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસ પણ અહીંથી નજીક છે. છતાં, ટ્રાફિકના આ જંગલરાજ અંગે કોઈ કશું વિચારતું નથી !!