Mysamachar.in:અરવલ્લી:
રાજ્યમાં લગભગ એક દિવસ પણ એવો નથી હોતો કે કોઈ ને કોઈ જીલ્લામાં થી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે ના આવી હોય, કેટલીક ઘટનાઓમાં તો કેટલાય લોકોના મોત થાય છે તો કેટલીક ઘટનાઓમાં કાયમી ખોડખાપણ પણ કેટલાક લોકોને રહી જતા હોય છે, એવામાં આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં કુલ ૩ લોકોએ તેમની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો છે, આ ઘટના અંગે જે પ્રાથમીક માહિતી મળી રહી છે તે મુજબ….
મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે પર સાકરીયા ગામના બસ સ્ટેશન પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડભોઇથી મોડાસા તરફ આવતી એસટી બસ એક બાઇક ચાલકને બચાવવા જતાં ડીવાયડર કુદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી. તે જ સમયે સામેથી આવતી લક્ઝરી સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.એસટી અને લક્ઝરીમાં 40 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.
ઘટનાને પગલે સાકરીયા ગામના સ્થાનિક લોકો તરત જ બચાવમાં દોડી આવ્યા હતા. ઘટનાને પગલે જિલ્લાનું પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. જેસીબીની મદદથી મૃતકો અને ઇજાગ્રતોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઇ હતી. બાઇકચાલક અને લક્ઝરીના બે યાત્રાળુઓ સહિત 3ના ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય 40 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.