Mysamachar.in:જામનગર:
જામનગરનું એક સમયનું ધમધમતું શિપબ્રેકિંગ યાર્ડ સચાણા ફરીથી પોતાના ઓરિજિનલ રંગમાં આવી જાય તેવી સંભાવનાઓ એક બાદ એક સપાટી પર આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વચ્ચે ઘણાં વર્ષો સુધી આ મહત્વપૂર્ણ બંદર સમાચારની દ્રષ્ટિએ સાવ અદ્રશ્ય થઈ જવા પામેલું. અને એક કાનૂની વિવાદ પણ ઘણાં સમય સુધી ચાલ્યો. એકાદ મહિના અગાઉ સચાણા ખાતે એક નાનું વિદેશી શિપ ભંગાવા માટે આવેલું. અને સ્થાનિક સત્તાવાળાઓની મંજૂરી બાદ તેને ડિસમેન્ટલ કરવાની કામગીરીઓ પણ થઈ. ત્યારે આ સમગ્ર પંથકમાં સૌને પુનઃરોજગારી અને બિઝનેસની તકો ફરી મળી હોવાનો આનંદ થયો.
અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, સચાણા ખાતે દસેક દિવસ અગાઉ વધુ એક જહાજ ભાંગવા માટે આવી પહોંચ્યુ છે. આ જહાજને તોડી પાડવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે, સ્થાનિક અધિકારીઓએ આ માટે થોડાં સમય અગાઉ સચાણાની મુલાકાત પણ લીધી હતી, જહાજનું નિરીક્ષણ કર્યું અને બ્રેકિંગની મંજૂરીઓ આપી હોવાનું જાણવા મળેલ છે.
સૂત્ર અનુસાર, પાટનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્ણ થઈ હોય, હવે મુખ્યમંત્રી સહિતના તમામ મહાનુભાવો થોડાં ફ્રી થયા છે અને અન્ય નવા વિષયો પર ફોક્સ કરી રહ્યા છે. GPCBની ગાંધીનગર કચેરી CM કાર્યાલય સાથે, સચાણા શિપબ્રેકિંગ યાર્ડ સંબંધે સતત સંપર્કમાં છે. અને એમ કહેવાય છે કે, આગામી નજીકના સમયમાં મુખ્યમંત્રી સચાણાની વિશેષ મુલાકાત માટે આવશે. એમ પણ માનવામાં આવે છે કે, તેઓ સચાણા શિપ બ્રેકિંગ સંબંધે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી શકે છે. જો આમ થશે તો, સચાણા સહિતનો આ સમગ્ર પંથક વાઈબ્રન્ટ બની જશે એમ દેખાઈ રહ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, તાજેતરની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન સરકારે મેરીટાઈમ ક્ષેત્ર પર વિશેષ ઝોક દર્શાવ્યો છે. અને રાજ્યના મેરીટાઈમ બોર્ડે UAE સહિતના રાષ્ટ્રો સાથે કેટલાંક નોંધપાત્ર કરાર પણ કર્યા છે. અને, આ વર્ષે લોકસભા ચૂંટણીઓ પણ આવી રહી છે- સચાણાને ગોલ્ડન ટચ પ્રાપ્ત થશે?? વેઈટ એન્ડ વોચ.