Mysamachar.in:જામનગર
છેલ્લા કેટલાક સમયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અલગ અલગ વેપારીઓને પોલીસને અને ખાસ કરીને એસઓજી પોલીસને નામે ધાકધમકીઓ આપવી, નાણા માગવા, હોટેલ સંચાલકોને દબાવવા સહિતની પ્રવૃત્તિ કોઈ શખ્સ પોલીસને નામે કરી રહ્યો હોવાની માહિતી પરથી જામનગર એસઓજી પણ આ અંગે વોચમાં હતી દરમિયાન પી.એસ.આ. જે.ડી.પરમાર સહિતની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે સલાયાના શખ્સને ઝડપી પાડવામાં આવતા 13 ગુન્હાઓની કબુલાત તેણે અસલી એસઓજી સમક્ષ આપી હોવાની કબુલાત કરી છે.
એસ.ઓ.જી.પોલીસના નામે અલગ અલગ જિલ્લાના નાગરીકોને ફોન કરી ધાક ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી સમાજમા પોલીસના નામે દહેશત ફેલાવી ગુનાઓ આચરતા આરોપીને પકડી પાડવા એસ.ઓ.જી. સ્ટાફના રાજેશભાઈ મકવાણા તથા રમેશભાઈ ચાવડા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા ને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે એસ.ઓ.જી. પોલીસના નામે અલગ અલગ જિલ્લાના નાગરીકોને ફોન કરી ધાક ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી સમાજમા પોલીસના નામે દહેશત ફેલાવી ગુનાઓ આચરતો આરોપી સલાયા ગામનો શબ્બીરહુશેન હારૂનભાઈ ભગાડ અહિં જામનગર, ખોડીયાર કોલોની, રાજચેમ્બર પાસે સીટી બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જે સ્થળેથી આરોપી શબ્બીરહુશેન હારૂનભાઈ ભગાડ ને કુલ રૂપિયા 30,000/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ જેને ઝડપી લઇ આગળની કાર્યવાહી થવા માટે સીટી “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આરોપીએ એસઓજી પોલીસ સમક્ષ અલગ અલગ પ્રકારના 13 ગુન્હાઓની કબુલાત આપી છે તેમના મુખ્ય-મુખ્ય ગુનાહોની વિગતો નીચે પ્રમાણે છે.
-જામખંભાળીયામા દ્વારકાધીશ ઈ-બાઈક વાળાને બાઈક ખરીદવાના નામે ફોન કરી ધાક ધમકી આપેલ છે.
-જામનગરમાં આવેલ એક ટાયરની દુકાન વાળાને ફોન કરી કહેલ કે મારે ટ્રકના આઠ ટાયર લેવા છે આમ કહી તેને ધાક ધમકી આપેલ છે.
-જામનગર પવનચક્કી વિસ્તારમાં આવેલ એક લેપટોપની દુકાનના નંબર મેળવેલ તેને પોલીસના નામે ઘાક ઘમકી આપેલ છે.
-જામનગરની એક મોબાઈલની દુકાનના નંબર મેળવી ને તેને ફોન કરી કહેલ કે મારે “એસ.22 અલ્ટ્રા મોડલનો” મોબાઈલ ફોન જોઈએ છે આમ કહી ધમકાવેલ છે.
-દોઢેક વર્ષ પહેલા મહાકાળી સર્કલથી આગળ એરફોર્સ રોડ આવેલ એક અનાજ કરીયાણાની દુકાન વાળાને ખોટો ચેક આપી અનાજ કરીયાણું ખરીદી તેની સાથે છેતરપીંડી કરેલ છે.
-જામનગરની એક પ્રખ્યાત હોટલમા ફોન કરીને કહેલ કે તમારી હોટલમા વીસ માણસો જમવા માટે આવશે તેની વ્યવસ્થા કરી નાખજો આમ કહી ધમકાવેલ છે.
જામનગર એસઓજી દ્વારા આ આરોપીના ઝડપાઈ જવા સાથે એક અપીલ પણ કરવામાં આવી છે કે જામનગર કે આસપાસના જીલ્લાના કોઈ લોકોને આ આરોપી દ્વારા પોલીસ અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે ફોન કરી ધાક ધમકી આપેલ હોય કે છેતરપીંડી કરેલ હોય જામનગર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.