Mysamachar.in-ભરૂચ:
એક તરફ આપણાં સરકારી તંત્રો વાહન અકસ્માતોમાં મોતને ભેટેલાં લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના બેહૂદાં નાટકો કરી રહ્યા છે, બીજી તરફ ધોરીમાર્ગો પર અકસ્માતો અટકાવવામાં આ જ તંત્રો સરિયામ નિષ્ફળ રહે છે, જેને કારણે અકસ્માતોમાં મોતને ભેટનાર લોકોનો આંકડો સતત રાક્ષસી રીતે મોટો બની રહ્યો છે. સરકાર નિશ્ચિંત છે અને અણઘડ વાહનચાલકો ઉપરાઉપરી અકસ્માત સર્જી રહ્યા છે અને તંત્રો શ્રધ્ધાંજલિ કાર્યક્રમોમાં ફીફાં ખાંડે છે.
આવો વધુ એક ઘાતક અકસ્માત ગત્ રાત્રે ભરૂચના જંબુસર નજીક સર્જાયો, જેમાં એકસાથે 6 લોકો મોતનો કોળિયો બની ગયા. કારમાં સવાર અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જનાર આ ઈકો કારમાં 2 પરિવારોના 10 સભ્યો મુસાફરી કરી રહ્યા હતાં. આ અકસ્માત જંબુસરના મગણાદ ગામ નજીક થયો. એક ઉભેલાં ટ્રકમાં પાછળથી એક ઈકો કાર ઘૂસી ગઈ.
આ અકસ્માતમાં જે 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા છે તેમાં 3 મહિલા, 2 પુરૂષ અને 2 વર્ષની એક બાળકીનો સમાવેશ થાય છે. તમામ મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના રહેવાસીઓ હતાં અને ભરૂચના શુકલતીર્થ ખાતે યોજાયેલા મેળામાંથી પરત પોતાના ગામો તરફ જઈ રહ્યા હતાં ત્યારે જંબુસર અને આમોદને જોડતાં માર્ગ પર આ ઘાતક અકસ્માત સર્જાયો.
આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. જેમના નામો: નિધિબેન ગણપત પરમાર, મિતલબેન ગણપત, ગણપત રમેશભાઈ અને અરવિંદ રૈયજીભાઈ જાહેર થયા છે. આ કાર કોણ ચલાવી રહ્યું હતું તે જાણવા મળેલ નથી. ઈકો કારના નંબર GJ-16 AU 6225 હોવાનું જાહેર થયું છે.