Mysamachar.in-ગીર સોમનાથ
ગુજરાતમાં લોકડાઉનને ચિત્ર-વિચિત્ર કહી શકાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, એવામાં વ્યસનના બંધાણીઓ ગુન્હાઓ કરતા પણ ખચકાટ ના અનુભવતા હોય તેમ તમાકુ માટે હત્યા અને ફાયરિંગ સહિતનાં કિસ્સાઓ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. એવામાં વાત છે ગીરસોમનાથ જીલ્લાના વેરાવળની…જ્યાં જ્યોતિ સેલ્સ નામની દુકાનમાંથી તસ્કરોએ માત્ર તમાકુની વસ્તુઓની ચોરી કરી હતી. જ્યારે અન્ય વસ્તુઓ અડ્યા પણ ન હતા. બાદમાં તસ્કરોએ દુકાનને આગ લગાવી દીધાનું સામે આવે છે,
વેરાવળના હાર્દ સમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ્યોતિ સેલ્સ નામની દુકાન આવેલી છે. આ દુકાનનાં માલિક તમાકુની વસ્તુઓ સહિત પેપરમિન્ટનો ધંધો કરે છે. ગઈકાલે રાત્રે દુકાનની પાછળના ભાગનું શટર તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. અને ફક્ત તમાકુની વસ્તુઓની ચોરી કરી હતી. ચોરી કર્યાં બાદ ફરાર થતાં પહેલા તસ્કરોએ દુકાનમાં આગ લગાવી દીધી હતી. સવારનાં સમયમાં લોકોએ દુકાનમાંથી ધૂમાડો નીકળતાં જોઈને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ગાડીએ દુકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનાની જાણ થતાં જ દુકાનમાલિક પણ દુકાને દોડી આવ્યા હતા. તેઓએ જોયું કે દુકાનમાંથી માત્ર તમાકુની વસ્તુઓની જ ચોરી કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોટી કિમતના તમાકુની ચોરી કરી બાદમાં આ આગચંપી કરવામાં આવી છે.