Mysamachar.in:રાજકોટ
ઘણાં કિસ્સાઓમાં સરકારી તંત્રો અરજદાર નાગરિકોને થકવી નાંખતા હોય છે. આવો એક કિસ્સો રાજકોટ કસ્ટમમાં નોંધાયો છે. એક કિલો સોનાનો મામલો ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે અને અરજદાર પરેશાન છે કારણ કે, તંત્ર દાદાગીરી કરી રહ્યું છે ! જસપાલસિંહ તોમર નામનો એક પ્રવાસી દૂબઈથી રાજકોટ આવ્યો. 2020માં તેની બહેનનાં મેરેજ હતાં તેથી આ ભાઈ દૂબઈથી પોતાની સાથે એક કિલો સોનાનો બાર લાવ્યો હતો. જે કસ્ટમે કબજે લઈ લીધો હતો, આ સોનું આ વ્યક્તિને આજે પણ પરત મળતું નથી !
2020માં આ વ્યકિતએ રેડ ચેનલમાં કસ્ટમ સમક્ષ ડિકલેર કર્યું કે, પોતાની પાસે એક કિલો સોનું છે અને તેની કસ્ટમ ડયૂટી પેટે તે રૂપિયા 30 લાખ કસ્ટમને ચૂકવવા તૈયાર છે. ત્યારે એક કિલો સોનાની કિંમત રુપિયા 41 લાખ હતી. આમ છતાં કસ્ટમ તંત્રએ ડયૂટી વસૂલવાને બદલે સોનું કબજે લઈ લીધું. ત્યારબાદ આ સોનું કસ્ટમ તંત્ર દ્વારા સરકારી ટંકશાળમાં મોકલી આપવામાં આવ્યું. અને આજે કસ્ટમ આ વ્યકિતને કહે છે: તમારાં સોનાનાં બદલામાં કસ્ટમ વિભાગ તમને રૂપિયા 15,800 આપવા તૈયાર છે. તમારે જોઈએ છે ?! અત્રે ઉલ્લેખનિય છે કે, આજે આ સોનાની કિંમત રૂપિયા 60 લાખ છે.
અરજદાર જસપાલસિંહ પોતાનું સોનું પરત ઇચ્છે છે. કસ્ટમ કહે છે: સોનું નથી. ટંકશાળમાં મોકલાઈ ગયું. રૂપિયા 15,800 સ્વીકારી લ્યો. આ મામલો હાલ વડી અદાલતમાં છે. અદાલતમાં દલીલો થઈ રહી છે કે, આ કેસમાં કબજે લેવામાં આવેલાં આ સોનાનો પોતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી નાંખવાનો કસ્ટમ તંત્ર અધિકાર ધરાવે છે ?! આ મામલાએ હાઈકોર્ટ ઉપરાંત સોનાચાંદી બજારમાં ચકચાર મચાવી છે. રાજકોટ કસ્ટમ વિભાગ તરફથી આ કેસમાં હાલ કોઈ સતાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.