Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અસંખ્ય નાગરિકો જ્યારે કોઈ કામસર સંબંધિત પોલીસ સ્ટેશને જાય ત્યારે, ઘણાં બધાં કિસ્સાઓમાં નાગરિકોને એવો જવાબ આપવામાં આવતો કે, સાહેબ આજે કોર્ટની મુદ્દતમાં ગયા છે, પછી આવો. હવે આ વાત ભૂતકાળ બની ગઈ છે. રાજ્યમાં આ માટે આધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
પોલીસ સ્ટેશનોમાં અને પોલીસ વિભાગની કચેરીઓમાં સેંકડો પોલીસ અધિકારીઓ એવા હોય છે જેમને કોઈ ને કોઈ કેસની તપાસ બાદ અવારનવાર અદાલતોમાં સંબંધિત કેસની કાર્યવાહીઓ માટે જવું પડતું હોય છે. આથી આ અધિકારીઓએ ટૂંકાલાંબા પ્રવાસ પણ કરવા પડતાં હોય. ખાસ રજાઓ પણ મૂકવી પડતી હોય. હવે આ બધી બાબતોમાં રાહત મળી ગઈ છે. અધિકારીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં મુલાકાત આપવા હાજર રહી શકશે.
આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 165 વીડિયો ક્યુબિકલેસ ગોઠવવામાં આવ્યા છે. આ સેન્ટરને ફોર્મલ વિટનેસ ડીપોઝિશન સેન્ટર કહે છે. કોઈ પણ તપાસનીશ અધિકારી હવે આ સેન્ટરની મદદથી, સંબંધિત કેસમાં અદાલતી કાર્યવાહીઓ દરમ્યાન સાક્ષી તરીકે વીડિયોની મદદથી હાજર રહી શકશે. હવે તેમને આ કામ માટે પોલીસ સ્ટેશન છોડી, અદાલતમાં જવું પડશે નહીં.
આ વીડિયો કોન્ફરન્સ સુવિધાઓની મદદથી આ સેન્ટરમાં બેસી તપાસનીશ અધિકારીઓ અદાલતી કાર્યવાહીઓમાં ભાગ લઈ શકશે. તેમને અદાલતો સુધી જવું નહીં પડે. ગુજરાત હાઇકોર્ટના IT રજિસ્ટ્રાર દ્વારા આ સિસ્ટમ એક્ટિવ કરવાની સૂચનાઓ સંબંધિત સેન્ટરોને આપી દેવામાં આવી છે.
જેલના કેદીઓ માટે પણ આ પ્રકારની વીડિયો કોન્ફરન્સ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વર્ષે 70 ટકા કેદીઓને આ રીતે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા. રાજ્યના DGP વિકાસ સહાય જણાવે છે કે, આ બંને વ્યવસ્થાઓથી સમયની તથા ઈંધણની બચત થઈ રહી છે અને રિઅલ ટાઈમ કામગીરીઓ થઈ રહી છે.


