Mysamachar.in-પાટણ:
ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં એક સિટી બસ પાગલ થતાં મરણચીસો ગૂંજી ઉઠી હતી ત્યારબાદ આજે ગુજરાતનો એક ધોરીમાર્ગ આવી જ કરૂણ મરણચીસોથી ગૂંજી ઉઠ્યો. આજે સવારે થયેલાં આ ભયાનક અકસ્માતમાં એકસાથે છ જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ.
આજે સવારે કેટલાંક શ્રધ્ધાળુઓ રિક્ષામાં બેસી હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા જવા રવાના થયા પરંતુ રસ્તામાં આ કમભાગી શ્રધ્ધાળુઓને મોત આંબી ગયું. હિંમતનગર તરફ જઈ રહેલી એક એસટી બસ સમી-હારીજ ધોરીમાર્ગ પર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર આ એસટી બસ શ્રધ્ધાળુઓ ભરેલી રિક્ષા પર ચઢી ગઈ અને રિક્ષાનો ખુડદો બોલાવી દીધો. આ ભયાનક અકસ્માતમાં છ શ્રધ્ધાળુઓના કરૂણ મોત નીપજયા.

આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને રાહત બચાવ કામગીરીઓ શરૂ કરી હતી. થોડી જ મિનિટોમાં 108 એમ્બ્યુલન્સ તથા સ્થાનિક પોલીસ પહોંચી અને મૃતદેહોને નજીકની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે તથા અકસ્માત સંબંધિત કાગળો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કરૂણ બનાવને કારણે સમગ્ર હિંમતનગર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એમ જાણવા મળે છે કે, આ મૃતક શ્રધ્ધાળુઓ રાધનપુરની વાદી વસાહતના રહેવાસીઓ હતાં.