Mysamachar.in:જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરૂવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. જેમાં મેયર તથા કમિશનર પણ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં કુલ રૂ. 158.74 કરોડના અંદાજિત ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી. જો કે નજીવા કારણોસર લાઈટ માટેની બે દરખાસ્ત પડતર રાખી દેવામાં આવતાં સંબંધિત વિસ્તારોમાં હજુ થોડા વધુ સમય માટે અંધારા જ રહેશે.
ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષપદે યોજાઈ ગયેલી આ બેઠકમાં નિર્ણયો થયા છે કે, અમૃત 2.0 યોજનાની ગ્રાન્ટમાંથી નાઘેડી(જામનગરના વોર્ડ નંબર વોર્ડ નંબર 6 અને 7), કર્મચારીનગર(વોર્ડ નંબર 16) તથા હાપા વિસ્તાર(વોર્ડ નંબર 11-12)ના પેટા વિસ્તારોમાં સીવર કલેક્શન માટે પાઈપલાઈન નેટવર્ક બિછાવવામાં આવશે. આ ત્રણ મુખ્ય કામો પાછળ અંદાજે રૂ. 85.44 કરોડનો ખર્ચ થશે.
આ ઉપરાંત નવા વિસ્તારોના તથા ઉદ્યોગનગરોના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શહેરમાં વધુ એક સૂએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. આ પ્લાન્ટ લાલપુર રોડ પર રાજનગર પાસે બનાવવામાં આવશે. જેની પાછળ રૂ. 40.09 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પ્લાન્ટ 20 MLD કેપેસિટીનો હશે.
-અંધારું: લાઇટની દરખાસ્તો પડતર
કમિટીના એજન્ડા મુજબ, શુભમ રેસિડેન્શિ ટીટોડીવાડી રોડની મધ્યમાં તથા હાપા માર્કેટિંગ યાર્ડથી રાધિકા સ્કૂલ રોડની મધ્યમાં લાઈટ લગાડવા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્તો તૈયાર કરીને મોકલી દીધી ત્યાં સુધી કોર્પોરેશને આ મુદ્દે કશુંયે વિચાર્યું ન હતું. હવે સ્ટેન્ડિંગ કમિટી વિચાર કરશે કે, આ વિસ્તારોમાં સોલાર રોશની પાથરવી કે વીજરોશની.?!