Mysamachar.in-જામનગર:
દરેક ઝૂંપડુ દબાણ નથી હોતું..પ્રત્યેક ઝૂંપડુ દેશી દારૂનું સંગ્રહ કે વેચાણ કેન્દ્ર નથી હોતું..અમુક ઝૂંપડા માણસની કારમી ગરીબી-મજબૂરીનું પરિણામ પણ હોય શકે છે, સરકારની સંવેદનશીલતાનો અભિગમ આવા ઝૂંપડામાં વીજજોડાણ આપી ઉજાસ પાથરી રહ્યો છે.
સરકારની યોજના છે: જે ઝૂંપડું અડચણરૂપ જગ્યા પર ન હોય અને ભવિષ્યમાં તંત્રને જરૂરિયાત ઉભી થતાં ખસી જવા તૈયાર હોય એવા ઝૂંપડા વીજજોડાણ મેળવી શકે તે માટે કોર્પોરેશન NOC આપે છે અને તેના આધારે વીજતંત્ર વીજજોડાણ આપી આવા ઝૂંપડામાં અજવાળાં પાથરે છે.
સરકાર ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત આવા ઝૂંપડાને વીજળી આપે છે. નાણાંકીય વર્ષ 2024-25 દરમ્યાન જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં આ પ્રકારના કુલ 1,044 ઝૂંપડાને રૂ. 61.36 લાખના ખર્ચથી વીજજોડાણ આપવામાં આવ્યા, જે પૈકી સૌથી વધુ વીજજોડાણ કલ્યાણપુર તાલુકામાં અને સૌથી ઓછાં જામજોધપુરમાં આપવામાં આવ્યા.
વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં જામનગર વીજતંત્રએ બંને જિલ્લાઓમાં કુલ 294 ઝૂંપડામાં રૂ. 11.36 લાખના ખર્ચથી વીજજોડાણ આપ્યા, જે પૈકી સૌથી વધુ વીજજોડાણ ખંભાળિયામાં અને સૌથી ઓછાં વીજજોડાણ જોડીયામાં આપવામાં આવ્યા. ધારો કે કારમી ગરીબી ભોગવતો કોઈ પરિવાર આ ઝૂંપડામાં રહે છે અને એ પરિવારનું સંતાન સરકારી શાળામાં અભ્યાસ કરે છે- આ વીજજોડાણનો ‘ઉજાસ’ આ બાળકને કેટલો ઉપયોગી થઈ શકે- કલ્પના કરી શકાય.(symbolic image)


