Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં લાંચ ભ્રષ્ટાચાર નથી, શિષ્ટાચાર છે, એક સિસ્ટમ છે- એવું અનેકવખત બહાર આવે છે. બીજી તરફ CM થોડાં સમય અગાઉ એમ પણ બોલ્યા હતાં કે, ઝડપાઈ ગયા તો સીધાં અંદર- ધ્યાન રાખજો. પરંતુ CID ક્રાઈમનો એક પોલીસ ઈન્સ્પેક્ટર છેક સુધી વહેમમાં રહ્યો કે, આપણું કોણ, શું કરી લ્યે અને તેણે એક કોન્સ્ટેબલના માધ્યમથી મોટો ખેલ ગોઠવ્યો પણ ACBએ ખેલ ઉંધો પાડી દેતાં આ PI તથા કોન્સ્ટેબલ બેય અંદર થઈ ગયા.
રાજ્યના CID ક્રાઈમ વિભાગનો કોઈ અધિકારી કે કર્મચારી આટલી મોટી લાંચમાં ઝડપાઈ ગયો હોય એવો આ વિભાગના ઈતિહાસનો આ પ્રથમ કિસ્સો હોવાનું ACBએ જાહેર કર્યું છે. કોઈ પણ ક્રિમિનલ કેસ જો આંતરરાજ્ય હોય છે અથવા રાજ્યની અંદર વ્યાપક રીતે પથરાયેલો હોય ત્યારે, ગૃહવિભાગ આ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી દે એવો એક શિરસ્તો છે. આ પદ્ધતિએ આ કેસમાં થોડા સમય અગાઉ એવું બનેલું કે, ગોવાના એક કોલ સેન્ટર કાંડની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી. પરંતુ તપાસનીશ અધિકારીએ શરૂઆત જ એવી કરી કે, પ્રથમ દિવસથી આ તપાસ ખુદ ધ્યાન ખેંચનારી બની ગઈ. અંતે, તપાસનીશ અધિકારી ‘અંદર’ થયો.
CID ક્રાઈમને ગોવા કોલ સેન્ટર કાંડની તપાસ સોંપવામાં આવ્યા બાદ, આ વિભાગના PI પેથા પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રૂ. 30 લાખની લાંચ લેતાં ઝડપી લેવામાં આવ્યા છે. આ કાંડની તપાસ વખતે, PI પેથા પટેલએ આરોપીને ‘કાગળ પર’ ન લેવાના બદલામાં રૂ. 2 કરોડની લાંચની માંગ કરી હોવાનો પણ અહેવાલ છે. જો કે આરોપી નેગોશિએશનમાં હોંશિયાર હોવાને કારણે રકઝકના અંતે રૂ. 30 લાખની લાંચની લેતીદેતી નક્કી થઈ.
બાદમાં, આ લાંચ કેસના ફરિયાદીએ ACB નો સંપર્ક સાધ્યો. છટકું ગોઠવાયું. પૈસાની લેતીદેતી માટે PI પેથા પટેલને ચોક્કસ જગ્યાએ આવવાનું કહેવામાં આવ્યું. ACB PI ડી.એન.પટેલએ ગોઠવેલા આ છટકામાં, PI પેથા પટેલ વતી કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ લાંચની રકમ કલેકટ કરવા આવ્યો. ઝડપાઈ ગયો. અને, PI તથા કોન્સ્ટેબલ બેય અંદર થઈ ગયા.
અત્રે ઉલ્લેખનિય છે કે, CID ક્રાઈમનો આ જે પોલીસ ઈન્સ્પેક્ટર પેથા પટેલ લાંચમાં ઝડપાઈ ગયો છે એ ખુદ અગાઉ ACB માં નોકરી કરી ચૂક્યો છે. તે સમયે તેનું પોસ્ટીંગ ભૂજ ACB કચેરી ખાતે હતું. હાલમાં CID ક્રાઈમની નોકરી દરમ્યાન તેની પાસે ગોવા કોલ સેન્ટર કાંડની તપાસ આવી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કોલ સેન્ટરના સંચાલકની ધરપકડ CID ક્રાઈમ દ્વારા 2024માં ગાંધીનગર ગિફ્ટ સિટી નજીકથી કરવામાં આવેલી એમ જેતે સમયે જાહેર થયેલું. ત્યારબાદ આ આખો લાંચકાંડ ગોઠવાયો અને તેમાં ACB સફળ રહ્યું.


