Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ – યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી અંદાજ- ગણતરી મુજબ વર્ષ 2023 માં રાજ્યમાં મોર,નીલગાય, વાંદરા, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.
આ ઉપરાંત રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે 2024 માં અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે એટલે કે તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ 2010 માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ 2024માં વધીને 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. જ્યારે, નળ સરોવર પક્ષી અભયારણ્યમાં વર્ષ 2010 માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા જ્યારે વર્ષ 2024 માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા 14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓનું અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે. જેના પરિણામે ગુજરાત ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી-પક્ષી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વસ્તી અંદાજ- ગણતરી 2023 મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર 2.85 લાખથી વધુ, નીલગાય 2.24 લાખથી વધુ, વાંદરા 02 લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત 9170 કાળીયાર, 8221 સાંભર, 6208 ચિંકારા, 2299 શિયાળ, 2274 દિપડા, 2272 લોંકડી, 2143 ગીધ, 1484 વણીયર, એક હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લી વર્ષ 2020ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674 થી વધુ, વર્ષ 2024 માં યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન તેમજ 7672 જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
-વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વિવિધ પહેલ
વન વિભાગની વન્યપ્રાણી શાખા દ્વારા રાજ્યના તમામ જિલ્લા સ્તરે ઉપસ્થિત થતા વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે વન્યપ્રાણીઓના અવર જવર વાળા વિસ્તાર તેમજ સ્થાનિક લોકોના નિવાસના વિસ્તારોમાં વન્યપ્રાણી રેસ્ક્યુ રીલિઝ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા અંગેના વિવિધ ઉપાયો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત હાલ ગુજરાતમાં બ્રિડીંગ સેન્ટર ખાતે બ્રિડીંગ માટે રાખવામાં આવેલા વન્યપ્રાણીઓ તેમજ નવા જન્મેલ વન્યપ્રાણીઓ બ્રિડીંગ માટે જરૂરીયાત મુજબના વન્યપ્રાણીઓ રાખી અન્ય બ્રિડીંગ સેન્ટર તેમજ જંગલ વિસ્તારમાં સરપ્લસ વન્યપ્રાણીઓ મુકત કરવામાં આવ્યા છે.(image source:guj info department)