Mysamachar.in:જામનગર
રાજ્યનાં હવામાન વિભાગે ત્રણ દિવસ પહેલાં આગાહી કરી હતી કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તા.5 થી તા.9 દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વિવિધ વિસ્તારોમાં પડી શકે છે. વરસાદનાં આ વધુ એક રાઉન્ડનાં મંડાણ જામનગર શહેર અને જિલ્લામાં થઈ ચૂક્યા છે. કાલે બપોરે કાલાવડ પંથકમાં વરસ્યા પછી આજે સવારથી મેઘરાજાની સવારી જામનગર આવી પહોંચી છે. કાલાવડ તાલુકામથકે તથા પંથકના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં કાલે ગુરુવારે બપોરે બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. કાલાવડ શહેરમાં કાલે બપોરે 2 થી 4 દરમ્યાન બે ઈંચ જેટલો (47 મિમી) વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન લાલપુર તથા જામજોધપુર પંથકમાં પણ ઝાપટાં નોંધાયા હતા.
આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન જિલ્લામાં બધાં જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જો કે તે પૈકી નોંધપાત્ર વરસાદ માત્ર ધ્રોલના જાલિયાદેવાણીમાં 35 મિમી નોંધાયો હતો. જિલ્લાનાં બાકીનાં ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ એકદમ સામાન્ય વરસાદ ઝાપટાના સ્વરૂપમાં નોંધાયો હતો. ત્યારબાદ આજે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન જામનગર અને જોડિયા તાલુકામથકોએ વરસાદ નોંધાયો હતો. જે પૈકી જામનગરમાં આશરે દોઢ ઇંચ જેટલો (38 મિમી) વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડિયામાં પોણો ઈંચ જેટલો વરસાદ ઝાપટાના સ્વરૂપમાં નોંધાયો હતો.