Mysamachar.in:અમદાવાદ
કૌભાંડ શિક્ષણ અને આરોગ્ય જેવાં સંવેદનશીલ ક્ષેત્રમાં પણ થતાં રહે છે જે દર્શાવે છે કે, આ પ્રકારના તત્વોની પહોંચ જીવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં છે ! તાજેતરમાં એક એવા કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાની પરીક્ષામાં પણ આ પ્રકારના તત્વોએ કળા કરી છે ! આ પ્રકારના દેશનાં સર્વપ્રથમ કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે અને ત્રણ હાઈલી એજયુકેટેડ શખ્સોની ધરપકડ કરી છે. એમ જાહેર થયું છે કે, ઓછામાં ઓછાં 2,000 જેટલાં વિદ્યાર્થીઓને આ કૌભાંડ અંતર્ગત GRE અને IELTS પાસ કરાવીને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે ! એક છાત્ર પાસેથી પરીક્ષા પાસ કરાવવા રૂ.70,000 લેવામાં આવતાં હતાં એમ તપાસમાં બહાર આવ્યું છે. એ હિસાબે આ કૌભાંડનો હાલનો આંકડો 14 કરોડ રૂપિયા ગણવામાં આવે છે ! તપાસનાં અંતે આ આંકડો મોટો પણ થઈ શકે છે.
સુરતની વોઈસ ઇમિગ્રેશન ઈન્ડિયા નામની કંપનીનાં સંચાલકોએ આ રેકેટની શરૂઆત કરી હતી. જે ખૂલ્લી પડી ગઈ છે. આ શખ્સો વિદ્યાર્થીઓને GRE (ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામ) પરીક્ષા પાસ કરાવી દેતાં હતાં ! આ શખ્સોએ આ રીતે આશરે 2,000 વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.70,000 મેળવી આ પરીક્ષા પાસ કરાવી આપી છે. આ પ્રકારની રેઈડ દેશમાં પ્રથમ વખત પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ જવા માટે IELTS, ટોફેલ અને GREની પરીક્ષામાં ચોક્કસ બેન્ડની જરૂર પડતી હોય છે. આ પ્રકારના બેન્ડ મેળવવા ચોક્કસ ગોઠવણ કરી, આ કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદનાં એક વિદ્યાર્થીને વિદેશ જવા આ પરીક્ષા આપવી જરૂરી હોવાથી તેણે ઓનલાઇન સર્ચ કરી, સુરતનાં સાગર હીરાણીનો સંપર્ક કર્યો હતો. આ વિદ્યાર્થી પાસેથી પ્રથમ રૂ.19,000 રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન મેળવવામાં આવેલાં. અને કહેવાયું હતું કે, પરીક્ષા આપવા આવો ત્યારે બીજા રૂ.50,000 આપવાનાં રહેશે.
આ પરીક્ષા ઓનલાઇન હોવાથી ઘરે બેઠાં પણ આપી શકાય છતાં આ વિદ્યાર્થીને સુરતની બાલવા’સ હોટેલમાં બોલાવવામાં આવતાં આ વિદ્યાર્થીને શંકા પડી. આથી આ વિદ્યાર્થીએ અમદાવાદ સાયબર ક્રાઇમ ACP જિતેન્દ્ર યાદવનો સંપર્ક કર્યો. બાદમાં સુરતની બાલવા’સ હોટેલમાં છટકું ગોઠવવામાં આવ્યું અને સૌ પ્રથમ વખત આ પ્રકારના કૌભાંડનો છેડો હાથમાં આવી ગયો. બાદમાં, સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડનાં ત્રણ આરોપીઓ મહેશ બાલાનાગેન્દ્ર ચેરલા (રેડ્ડી), સાગર ધીરજલાલ હીરાણી અને ચંદ્રશેખર હનુમંતરાવ કરલપુડી ઉર્ફે રાહુલ સરને ઝડપી લીધા છે. જે પૈકી ગુજરાતી શખ્સ સાગર આઈટીની ડિગ્રી ધરાવે છે. જેને આ કૌભાંડમાં વિદ્યાર્થીદીઠ રૂ.15,000 મળતાં હતાં. શિકાર શોધવાની જવાબદારી સાગર પર હતી. સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ રેડ્ડી નામનો શખ્સ છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ કહે છે, ગુજરાતમાં આ પ્રકારના અન્ય સેન્ટર હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.