Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી અન્ય કેટલીક શાખાઓ માફક એસ્ટેટ શાખામાં પણ ઘણાં સમયથી આકરી કાર્યવાહીઓની આવશ્યકતાઓ હતી. આખરે મ્યુ. કમિશનરે આ એસ્ટેટ વિભાગના 2 દબાણ નિરીક્ષકોની બદલીઓનો હુકમ કરી, કોર્પોરેશનના ચોક્કસ પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓને સાફ સંકેત આપ્યો છે.
મ્યુ. કમિશનર ડી.એન.મોદીએ એસ્ટેટ વિભાગના વિવાદાસ્પદ દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળીની આ શાખામાંની જવાબદારીઓ આંચકી લીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અધિકારી વિરુદ્ધ ભૂતકાળમાં લાંચ રૂશવત વિરોધી શાખામાં એક કેસ પણ નોંધાયેલો છે. આ ઉપરાંત થોડાં મહિનાઓ અગાઉ રણજિતસાગર રોડ પરની એસ્ટેટ શાખાની એક કાર્યવાહી વિવાદાસ્પદ બની હતી. જેમાં એક મહિલાએ લાંચ અંગે આક્ષેપ કરેલો. આ ઉપરાંત થોડાં સમય અગાઉ શહેરના ટાઉનહોલમાં નિયમોને ચાતરી જઈ એક કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સુનિલ ભાનુશાળી પાસેથી ટાઉનહોલનો હવાલો પણ આંચકી લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, એસ્ટેટ શાખા વિરુદ્ધ અનેક આક્ષેપ થતાં રહે છે અને આ શાખામાં ભ્રષ્ટાચાર તેમજ મનમાની અંગે પણ અવારનવાર ચર્ચાઓ ઉઠે છે. આ શાખામાં તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં અને થોડીઘણી પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગમાં પણ મોટાં ઓપરેશનની જરૂર હોવાનું જાણકારો માને છે. સુનિલ ભાનુશાળીને ઈન્ચાર્જ સિકયોરિટી અધિકારી તથા ટેક્સ રિકવરી અધિકારી તરીકેની કામગીરીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત એસ્ટેટ શાખાના યુવરાજસિંહ ઝાલાની બદલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરી દેવામાં આવી છે. આ વિભાગની મથરાવટી પણ એસ્ટેટ વિભાગ માફક ‘મેલી’ છે. કમિશનર દ્વારા હાથ ધરાયેલી આ ‘સાફસૂફી’ હજુ આગળ વધશે તેમ પણ અંતરંગ સુત્રો જણાવે છે.
-એસ્ટેટ શાખામાં દબાણ નિરીક્ષકો તરીકે હવે….
બે દબાણ નિરીક્ષકોની બદલી બાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અનવર ગજ્જણ અને નીતિન મહેતા હવે દબાણ નિરીક્ષકો તરીકેની ફરજ આગળ ધપાવશે જો કે એસ્ટેટમાં થયેલ બદલીઓને કાગળ પર વહીવટી સરળતા માટે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.બાકી સૌ જાણે છે કોને શા માટે બદલવામાં આવ્યા છે.
