Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ પંથકમાં બેફામ રેતીચોરી થઈ રહી હોય, આ વિસ્તારના ચારેક ગામોમાં ચોમાસામાં પૂર આવવાની શકયતાઓ છે, એવી રજૂઆત આ પંથકના ખેડૂતો દ્વારા થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ખેડૂતોએ સત્તાવાળાઓ સમક્ષની રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી ચોમાસામાં ધ્રોલ પંથકના મજોઠ, ભાદરા, કુન્નડ અને આણંદા ગામોમાં પૂરની પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે. કેમ કે આ વિસ્તારમાં રેતીચોરીને કારણે મજોઠ નજીકની ઉંડ નદી જાણે કે ઉલેચવામાં આવી રહી હોય એવો ઘાટ છે. આ વિસ્તારમાં ડેમનો પાળો નબળો પડી રહ્યો છે. બે વર્ષ અગાઉ અહીં ભારે વરસાદ થયો ત્યારે પણ પૂર આવ્યું હતું. ખેતીની પુષ્કળ જમીનનું ધોવાણ થઈ ગયું હતું. આ અંગે યોગ્ય કરવા તથા રેતીચોરી સંબંધે યોગ્ય પગલાંઓ લેવા રજૂઆત થઈ છે.
























































